સરકારી શાળાઓ સિઘ્ધીના માર્ગે સમગ્ર રાજયમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવામાં રાજકોટ પ્રથમ નંબરે
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની પ્રા. શાળામાં ધો. ૧ થી ૮ માં પ્રવેશોત્સવ સમયે શાળા પ્રવેશ જુનથી શરુ થતાં સત્ર માટે અપાતા હોય છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરની વિવિધ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ આકર્ષાયને ૧ર૯૮ છાત્રોએ શહેરની વિવિધ સરકારી શાળામાં ધો. ૧ થી ૮ માં પ્રવેશ મેળવેલ છે.
ગયા વર્ષે સમગ્ર રાજયમાં રાજકોટમાં સૌથી વધુ છાત્રોએ ખાનગી શાળાને બાય બાય કરીને સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. ચાલુ વર્ષે શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માં પણ સમગ્ર રાજયમાંં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશમાં રાજકોટ શિક્ષણ સમીતી પ્રથમ નંબરે આવેલ છે. શિક્ષણ મંત્રીના વરદ હસ્તે ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરનું અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અભિવાદન કરાયું હતું.
શિક્ષણ સમતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે ટેલીફોનીક મુલાકાતમાં જણાવેલ ચાલુ શૈક્ષણિક સત્રમાં સમિતિની શાળા નં. ૯૮ માં ૯૪ વિઘાર્થીએ અને પ્રા. શાળા નં. ૯૬ માં ૫૮ છાત્રોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સમિતિની શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ રૂમ, શિષ્યવૃત્તિ, પુસ્તકો જેવી વિવિધ સહાય મળતાં ખાનગી શાળાને બાય બાય કરીને સરકારી શાળામાં એડમીશન મેળવી લીધા છે. લગભગ દરેક સમિતિની શાળામાં ૧૦ થી વધુ છાત્રો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે.
આ ઉપરાંત શિક્ષણ સમિતિ શાળા નં. ૮૭ ૩૬ છાત્રો, શાળા નં. ૬૧માં ૩પ છાત્રો, શાળા નં. ૬૬ માં ર૯ છાત્રો, શાળા નંબર ૬૯માં ર૭ ને ૬૪ બી પ્રા.શાળામાં ૩૯ ખાનગી શાળાના છાત્રોએ પ્રવેશ મેળવ્યો છે.
રાજકોટની આસપાસના વિસ્તારોમાં કોઠારીયા પ્રા. શાળામાં ૩૫ છાત્રો તથા રસુલપરા પ્રા. શાળામાં ૨૬ વિઘાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કોર્પોરેશનની શાળામાં શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ યોજાતા વાલીઓમાં સરકારી શાળા પ્રત્યે આકર્ષણ થતા ખાનગી શાળામાંથી છાત્રો સમીતીની શાળામાં પ્રવેશ મેળવતાં સમિતિની સરકારી શાળા પણ હવે સિઘ્ધીના માર્ગે જઇ રહી છે.
ખાનગી શાળાને ટકકર મારે એવી સવલતો સરકારી શાળામાં
* અદ્યતન કોમ્પ્યુટર લેબ
* જ્ઞાન કુંજ પ્રોજેકટ
* સ્માર્ટ કલાસ રૂમ
* નિષ્ણાતો દ્વારા છાત્રોને કોમ્પ્યુટર શિક્ષણ
* આર.ઓ. સિસ્ટમ પાણી
* અદ્યતન પુસ્તકાલય
* સુંદર વિશાળ રમત ગમતનાં મેદાન
* ફુલ્લી કવોલીફાઇડ સ્ટાફ
* ધો. ૧-ર માં પ્રજ્ઞા પ્રોજેકટ
* બાળકોને સ્કુલ બેગ પુસ્તકો શિષ્યવૃત્તિની સહાય