ફૂલ, ચંદન અને જળ ચઢાવીને વિધિવત પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે

પુરાણોમાં માગશરને પવિત્ર માનવામાં આવે છે. તે શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો છે. એટલે માગશર મહિનામાં ભગવાન વિષ્ણુ અને કેળાના ઝાડની પૂજા કરવાની પરંપરા ઉલ્લેખવામાં આવી છે. પૌરાણિક કથા અને ધાર્મિક માન્યતાઓમાં પણ ઝાડ-છોડને પૂજવાનું ખૂબ જ મહત્ત્વ છે. જેમાં કેળાનું ઝાડ પણ પૂજનીય છે, જેના અંગે ઉલ્લેખવામાં આવે છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલે માગશર મહિનામાં કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે.

કેળાના ઝાડની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કેળાના ઝાડમાં સાક્ષાત દેવ ગુરુ બૃહસ્પતિ વાસ કરે છે જે ભગવાન વિષ્ણુના જ અંશ માનવામાં આવે છે. એટલે માગશર મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ભક્ત કેળાની જડમાં ફૂલ, ચંદન અને જળ ચઢાવીને કેળાની પૂજા કરે છે.

દુર્વાસા ઋષિ સાથે પૌરાણિક કથા જોડાયેલી છે

ઋષિ દુર્વાસા ખૂબ જ ગુસ્સાવાળા ઋષિ હતાં. ઋષિ અંબરીષની દીકરી કંદલી સાથે તેમના લગ્ન થયાં હતાં. એકવાર કંદલી દ્વારા ઋષિ દુર્વાસાની અવહેલના થઈ ગઈ. જેથી તેઓ કંદલી ઉપર ગુસ્સે થયા અને તેને ભસ્મ થવાનો શ્રાપ આપી દીધો. શ્રાપથી કંદલી રાખ બની ગઈ. પછી ઋષિ પણ આ ઘટનાને લઈને ખૂબ જ દુ:ખી થઈ ગયાં.

જ્યારે કંદલીના પિતા ઋષિ અંબરીશ આવ્યા ત્યારે તેમની પુત્રીને રાખ બનેલી જોઈને ખૂબ જ દુ:ખી થઈ ગયાં. ત્યારે દુર્વાસા ઋષિએ કંદલીની રાખને વૃક્ષમાં બદલી અને વરદાન આપ્યું કે હવેથી દરેક પૂજા અને અનુષ્ઠાનમાં તેનું ખાસ મહત્ત્વ રહેશે. આ પ્રકારે કેળાના ઝાડનો જન્મ થયો અને તેનું ફળ કેળું દરેક પૂજામાં પ્રસાદ બન્યું. ઝાડને પૂજનીય ગણાયું.

ધ્યાનમાં રાખવામાં આવતી વાતો

  1. માગશર મહિનામાં એકાદશી કે ગુરુવારના રોજે સૂર્યોદય પહેલાં મૌન વ્રતનું પાલન કરીને સ્નાન કરવું.
  2. તે પછી જ્યાં પણ કેળાનું ઝાડ હોય ત્યાં તેને પ્રણામ કરી જળ ચઢાવો.
  3. ધ્યાન રાખો કે ઘરના ફળિયામાં જો કેળાનું ઝાડ હોય તો તેના ઉપર જળ ચઢાવશો નહીં.
  4. કેળાના ઝાડ ઉપર હળદરની ગાંઠ, ચણાની દાળ અને ગોળ અર્પણ કરો.
  5. ચોખા અને ફૂલ ચઢાવીને કેળાના ઝાડની પરિક્રમા કરો અને માફી પ્રાર્થના કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.