ખેડૂતોને ૨૪ કલાક વીજ પુરવઠો પૂરો પાડવા તંત્રની સંયુક્ત કવાયત: સબ સ્ટેશનનું નિર્માણ કરતી જીસેટ કંપનીએ ૨૧ સ્થળોએ જગ્યા માંગી, જિલ્લા કલેક્ટરે હાલ ૭ સ્થળોએ જગ્યા મંજુર કરી
ખેડુતોને ૨૪ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાની સરકારની જાહેરાત બાદ વિવિધ વિભાગોએ સંયુક્ત કવાયત હાથ ધરી દીધી છે. જેમાં જિલ્લામાં નવા ૨૧ સબ સ્ટેશનો બનાવવા માટે જીસેટ કંપનીએ તૈયારી આદરી છે. જેના માટે જગ્યા ફાળવવા જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે હાલ ૭ જગ્યા મંજુર પણ કરી આપી હોવાની વિગતો મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્ર વધુ વિકસિત બને અને ખેડૂતો પ્રગતિશીલ બને તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. સરકારના આદેશથી વિવિધ સરકારી વિભાગોએ આ કામ માટે કમર કસવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોને ૨૪ કલાક વીજ પૂરવઠો પૂરો પાડવા માટે સબ સ્ટેશનની સંખ્યા વધારવી પડે તેમ હોય સબ સ્ટેશનનું નિર્માણ કરતી કંપની જીસેટ દ્વારા જિલ્લામાં ૨૧ જગ્યાએ નવા સબ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી જીસેટ દ્વારા જિલ્લા કલેક્ટરને ૨૧ નવા સબ સ્ટેશનો માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ દરખાસ્તને આધારે જિલ્લા કલેક્ટર દ્વારા લોધિકા, ઉપલેટા, ગોંડલ, રાજકોટ, જેતપુર, જામકંડોરણા સહિતના ૭ તાલુકાઓમાં ૫ એકરથી માંડીને ૨૦ એકર સુધીની જગ્યા મંજુર કરી આપી છે. જ્યારે બાકીના ૧૩ સ્થળો આગામી સમયમાં મંજુર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જગ્યાની સોંપણી બાદ જીસેટ દ્વારા તાકીદે સબ સ્ટેશનના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે. અને સબ સ્ટેશનનું નિર્માણ થયા બાદ તેને પીજીવીસીએલને સોંપવામાં આવશે. આમ પીજીવીસીએલ વિસ્તરણના માર્ગે છે. થોડા સમયમાં પીજીવીસીએલના રાજકોટ જિલ્લાનામા નવા ૨૧ સબ સ્ટેશનો ઉમેરાશે.