કાલે દીક્ષાર્થીના હસ્તે વરસીદાનની ઉત્તમોતમવિધિ
અબતક,રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવના મંગલ સાંનિધ્યે સંયમ સ્નેહી કુ.રોશનીબેનના દીક્ષા મહોત્સવ પ્રસંગે આજે શુક્રવારે મોક્ષમાળારોપણ વિધિ અને સમુહ 999 આયંબિલ તપ આરાધના ઉજવાયેલ.
પૂ.ગુરૂદેવે જણાવેલ કે માળામાં 4 ચીજ છે. પારો, દોરો, મેર આ ત્રણ પુલ્લીંગ છે. ફૂલ નપુસંક લીંગ છે. માળા સ્ત્રી લીંગ છે. સૌ સૌની જગ્યાએ સ્વતંત્ર છે. ગાંઠ આવી એટલે બની ગઇ માળા અર્થાત્ સ્ત્રી લીંગ બની ગઇ.પ્રશ્ર્ન ગાંઠનો છે. સાધનામાં એક ગાંઠ એક ગાંઠ બાંધવાની અને એક ગાંઠ છોડવાની છે. સંકલ્પની ગાંઠ બાંધવાની છે. વિકલ્પની ગાંઠ છોડવાની છે. આ ગ્રંથી તૂટે તો અપૂર્વકરણમાં પ્રવેશ થાય. સંસારની ગાંઠ તોડવા માટે આ માળા પહેરાવવામાં આવે છે. માળા પહેરીને 4 સંકલ્પ કરવાના છે. સહન શક્તિ, સમજશક્તિ, સમર્પણ શક્તિ, સમાધાન. દીક્ષાર્થીના પરિવારજન અને સંઘે માળા પહેરાવી હતી. જ્યારે સમુહ 999 આયંબિલ તપમાં દેશ-વિદેશના ભાવિકો જોડાયા હતાં. વિરાણી વાડીમાં આયંબિલની વ્યવસ્થા હિતેશભાઇ એ.મહેતા વગેરેએ સંભાળી હતી.
આ પ્રસંગે વીર આવો અમારી સાથે મંડળના પ્રફુલાબેન કામદાર, વિહાર સંઘના મંત્રી દીપ્તિ શાહ વગેરેએ સંયમ શુભેચ્છા પાઠવી હતી. કાલે સવારે 9:30 થી 11:00 કલાકે દીક્ષાર્થીના હસ્તે ચંદ્રિકાબેન શાંતિલાલ ગોપાણી પ્રેરિત વરસીદાન વિધિ અને બપોરે અનિલભાઇ મણિલાલ વિરાણી પ્રેરિત કોળિયાવિધિ યોજાશે.
જ્યારે રવિવારે નવકારશી બાદ સવારે 8:31 કલાકે માતા રસીલાબેન હરકિશનદાસ બેનાણી, રાજપથ, પંચવટી મેઇન રોડ ખાતેથી દીક્ષાર્થીની શોભાયાત્રા અને ડુંગર દરબાર, હેમુગઢવી હોલમાં દીક્ષા મંત્ર અર્પણવિધિ યોજાશે. પાર્કિંગની વ્યવસ્થા વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં કરેલ છે. દીક્ષા મહોત્સવના સંઘ રત્નનો લાભ શાસન દીપક પૂ.નરેન્દ્રમુનિ મ.સા. અને મા સ્વામી પૂ.જય-વિજયાજી મ.સ.ની સ્મૃત્યર્થે ધર્મવત્સલા બીનાબેન અજયભાઇ શેઠ- ક્વેસ્ટ ફાઉન્ડેશન મુંબઇએ લીધેલ છે.