પાકિસ્તાનને હવે તેનું જ કર્યું નડી રહ્યું છે. એક સમયે પાકિસ્તાને ખૂબ આતંકવાદને પોષ્યો હતો. પણ હવે આ આતંકવાદરૂપી નાગ હવે પાકિસ્તાનનું દૂધ પીને મોટો થઈ ગયો છે અને હવે પાકિસ્તાનને જ ડંખી રહ્યો છે. આ સમસ્યા વચ્ચે હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
પાકિસ્તાને, તાજેતરમાં જ અફઘાનિસ્તાનની સીમાએ રહેલા વિસ્તારોમાં એર સ્ટ્રાઇક કરી હતી. ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મતભેદો વધી રહ્યા છે. આ ફજેતી થતાં હવે પાકિસ્તાને તેના જૂનાં મિત્ર અમેરિકાનું શરણું લીધું છે. બાયેડન તંત્રના અધિકારીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આતંકી ગતિવિધિઓ વધી રહી છે.
પાકિસ્તાન અત્યારે ભયાનક ખતરા સામે ઝઝૂમી રહ્યું છે અને પોતે જ રચેલી જાળમાં તે પોતે ફસાયું છે. તેમ કહેતાં અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લૂએ વિદેશી બાબતો અંગેની કોંગ્રેશ્યતલા કમીટી સમક્ષ નિવેદન કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં 40 વર્ષોથી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. પાડોશી દેશોમાં આતંક ફેલાવવા માગતું પાકિસ્તાન ખુદ આતંકમાં ફસાઈ રહ્યું છે. આપણે અત્યારે પાકિસ્તાનને સહાય તો કરીએ જ છીએ પરંતુ સત્ય તે છે કે પાકિસ્તાને જ આતંકીઓને પાળ્યા પોષ્યા હતા, તેઓ હવે તેની જ સામે પડયા છે. જો કે અત્યારે તો આપણે પાકિસ્તાને સહાય કરવી જ પડે કારણ કે તેઓને જ પોતે પાળી પોષીને ઉછેરેલા આતંકીઓનું ભોગ બન્યું છે.
બલુચીસ્તાનમાં આવેલાં ગ્વાદર બંદરગાહને ચાઈનીઝ ઇજનેરો અને ટેક્નિશ્યનો ઉપર પણ હુમલા કરે છે. આ હુમલાની પણ અમે નિંદા કરીએ છીએ. ચીને પણ તેની નિંદા કરી છે. બૈજિંગ પણ આતંકવાદ સામે લડવાના, અને રાષ્ટ્રીય સલામતી જાળવવાના ઇસ્લામાબાદના પ્રયત્નોનું સમર્થન કરે છે.
અફઘાનિસ્તાનના પંજશીર વિસ્તારના તાલિબાન કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાનીએ કહ્યુ છે કે, પાકિસ્તાન જો અમારી સાથે પંગો લેશે તો તેને હારનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. અમે એક સમયના સોવિયેત યુનિયન અને અમેરિકા સાથે વર્ષો સુધી લડાઈ લડી છે. આ બંને દેશો તો દુનિયાના સુપર પાવર કહેવાય છે. અમે જો તેમને ધૂળ ચટાડીને પાછા મોકલી આપ્યા હોય તો પાકિસ્તાનની તો અમારી સાથે મુકાબલો કરવાની કોઈ હેસિયત જ નથી.ખુરાસાનીએ એક વિડિયોમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સરકાર તેમજ સેનાને મારો સંદેશ છે. આસિમ મુનીર, આસિફ જરદારી, શાહબાઝ શરીફ સાંભળી કે અફઘાનોએ તો રશિયા, બ્રિટન અને અમેરિકાને કરારી શિકસ્ત આપી છે. પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ. તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે.
વધુમાં પાકિસ્તાનની આર્થિક હાલત બદતર છે. તેવામાં હવે ઘર્ષણ પાકિસ્તાનને પહોંચાય તેમ નથી. છતાં પાકિસ્તાન આમાં જ વ્યસ્ત રહે છે. બીજું ત્યાંના લોકો પણ સરકાર અને આર્મી વચ્ચે વચ્ચે પિલાઈ રહ્યા છે.