દ્વારકાધીશના અનન્ય ભકત, સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા, બાન લેબ્સના ચેરમેન અને જાણીતા દાતા મૌલેશભાઇ ઉકાણીના આવતીકાલે જન્મ દિન છે. સ્વભાવે શાંત અને સૌમ્ય મૌલેશભાઇને જન્મ દિનની યાદગાર અને અમુલ્ય ભેટ આપવાનું ભાજપે મન બનાવી લીધું છે. લોકસભાની આગામી ચુંટણીમા રાજકોટ લોકસભા બેઠક પરથી મૌલેશભાઇને ટિકીટ આપવાનું ભાજપ હાઇકમાન્ડ મન બનાવી લીધું છે. આ માટે સ્થાનીક સંગઠનને યોગ્ય પ્લેટ ફોર્મ તૈયાર કરવા અંદર ખાને આદેશ આપી દેવામાં આવ્યા છે. જન્મ દિન નિમિતે આગામી રવિવારે રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિ દ્વારા મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ આવી રહ્યા છે. મુખ્યમંત્રીને પણ આ સેવા ઘડીમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

મૌલેશભાઇ ઉકાણીને જન્મદિવસની ભેટ આપવા ભાજપે મન બનાવી લીધું હોવાની ચર્ચા: મહા રકતદાન કેમ્પ થકી પ્લેટ ફોર્મ ઉભું કરાશે

ભાજપ લોકસભાની આગામી ચુંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પૈકી છ બેઠકો પર સિટીંગ સાંસદોની ટિકીટ પર કાતર ફેરવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. જ્ઞાતિના સમીકરણો મુજબ રાજકોટ બેઠક પર ભાજપ કડવા પાટીદાર સમાજના નેતાને ટિકીટ આપે તે ફાઇનલ છે. છેલ્લી બે ટર્મથી મોહનભાઇ કુંડારિયાને ટિકીટ આપવામાં આવી રહી છે. હવે તેઓના સ્થાને નવા ચહેરાને ટિકીટ આપવામાં આવે તેવું મનાય રહ્યું છે. રાજકોટ બેઠક માટે જાણીતો અને બીન વિવાદસ્પદ ચહેરાની શોધમાં રહેલા ભાજપની નજર હાલ મૌલેશભાઇ ઉકાણી પર ઠરી છે. તેઓને આડકતરી રીતે રાજકોટ બેઠક પરથી ચુંટણી લડવા માટે પુછવામાં પણ આવ્યું હોવાનું કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે. આવતીકાલે મૌલેશભાઇનો જન્મ દિન છે જેના સંદર્ભે રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિ દ્વારા એક મહારકતદાન કેમ્પ ઉપરાંત અંગદાન સંકલ્પ, ચક્ષુદાન, વૃક્ષારોપણ અને ગૌ સેવા જીવદવા જેવા સેવા પંચામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં મોટાભાગના સભ્યો ભાજપ સાથે જોડાયેલા છે.

બીજી તરફ મહા રકતદાન કેમ્પનું ઉદઘાટન કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આવી રહ્યા છે. આ ઘટના પરથી એ વાતને વધુ બળ મળી રહ્યું છે કે દ્વારકાધીશની અમી દ્રષ્ટિથી મૌલેશભાઇ ઉકાણી હવે રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા છે. જો કે તેઓ હાલ ભલે આ વાતનો ઇન્કાર કરી રહ્યા હોય અને જણાવી રહ્યા હોય કે તેમનો રસ્તો દિલ્હી અર્થાત રાજનીતિનો નહી પર દ્વારકાનો છે.

રકતદાન કેમ્પના ઉદઘાટનમાં આવવાની પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કોઇ સચોટ કારણ વિના ‘હા’ પાડી દે તે વાતમાં માલ નથી. હાઇકમાન્ડની સુચના હોવાના અણસાર મળી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક માટે નવા ચહેરાની શોધ કરવામાં આવે જો મૌલેશભાઇ માને તો મનાવી લેવા પણ આડકતરો ઇશારો કરવામાં આવ્યો છે.

છેલ્લી ઘડીએ મૌલેશભાઇના નામની જાહેરાત કરવામાં આવે તો મતદારો કે ભાજપના કાર્યકરોને ‘કિરણ પટેલ’ના નામની માફક આંચકો ન લાગે તે માટે અત્યારથી મૌલેશભાઇને હાઇલાઇટસ કરવામાં આવી રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. આગામી દિવસોમા ભાજપ કે સરકારના કાર્યક્રમમાં પણ અતિથિ વિશેષ તરીકે મૌલેશભાઇ સ્ટેજ પર નજરે પડતા દેખાશે.લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપ ગુજરાતની તમામ ર6 બેઠકો માત્ર જીતવા માંગે છે. તેવુ નથી. કોંગ્રેસ ભવિષ્યમાં ગુજરાતમાં કયારેય બેઠી થઇ શકે નહી તે રીતે તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતવા માંગે છે. ગુજરાતની મોટાભાગની બેઠકો પર સિટીંગ સાંસદોને સ્થાને નવા યુવા અને બિનવિવાદસ્પદ ચહેરાને ઉતારવાની ભાજપની વ્યુહ રચના છે. ભાજપે મન બનાવી લીધું છે. જો મૌલેશભાઇ ઉકાણી રાજી થઇ જશે તો તેઓ પર કળશ ઢોળવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.