પાંચ તસ્કરોએ આઇસ્ક્રીમ પાર્લર, કટલેરી અને જનરલ સ્ટોરમાંથી એક લાખનો હાથફેરો કર્યો: સીસીટીવી ફુટેજ મળ્યા
દિવાળી બંદોબસ્તમાંથી ફ્રી થઇ પોલીસ રાહત અનુભવે તે પૂર્વે જ લાભ પાંચની પૂર્વ રાતે જંકશન પ્લોટમાં એક સાથે ત્રણ દુકાનના શટરના તાળા તોડી તસ્કરોએ એક લાખની રોકડનો હાથફેરો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશન પ્લોટમાં આવેલી ગુરૂ નાનક જનરલ સ્ટોર, ગુરૂ નાનક આઇસ્ક્રીમ પાર્લર અને શુમંગલ કટલેરી નામની દુકાનના ગતરાતે તસ્કરોએ તાળા તોડી કાઉન્ટરના ખાનામાં રહેલી રોકડ રકમની ચોરી થતા જંકશન પ્લોટ વિસ્તારના વેપારીઓમાં ગોકીરો થઇ ગયો હતો.
નિતેશભાઇની ગુરૂનાનક જનરલ સ્ટોરમાંથી રૂ.૯૦ હજાર રોકડા, તેના ભાઇ જીતેન્દ્રની ગુરૂનાનક આઇસ્ક્રીમ પાર્લરમાંથી રૂ.૧૦ હજાર અને કિર્તીભાઇની શુમંગલ કટલેરીની દુકાનમાંઓથી રૂ.૨ હજાર રોકડા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જંકશન પ્લોટમાં ચોરી થતા વેપારીઓ પ્ર.નગર પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસે જંકશન પ્લોટમાં આવેલા ગોપલાણી પ્રોવિઝન સ્ટોરમાં લગાવેલા સીસીટીવી ફુટેજ જોતા એક સાથે પાંચ બુકાનીધારી તસ્કરો આવ્યાનું જોવા મળ્યું હતું. ત્રણેય વેપારી પૈકી એક વેપારીએ પાંચ તસ્કરોને પોતાની દુકાનમાં ચોરી કરતા જોયા હતા પણ તસ્કરો પાંચ હોવાથી તેઓ ડરના કારણે તસ્કરોને અટકાવ્યા ન હોવાનું જાણવા મળે છે.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટીમાં રહેતા દિનેશભાઇ છગનભાઇ શિંગાળાનું ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવશક્તિ ચેમ્બરમાં આવેલા કારખાનામાંથી તસ્કરો રૂ.૪૪ હજારનો પિતળનો માલ અને ઇમીટેશનનો માલ ચોરી ગયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.