બેસ્ટ એમ્લોઈઝ , સેક્શન , સ્પેશ્યલ એવોર્ડ જેવી જુદી-જુદી 7 કેટેગરીમાં સ્ટાફગણને એવોર્ડ આપીને સન્માનીત કરાયા: જીટીયુ એક્ઝિબિશન ગેલેરી , લોગો , વેબસાઈટ , સરસ્વતી પ્લાઝા, સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ શિક્ષણમંત્રીના હસ્તે કરાયું
ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર અને ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( જીટીયુ ) 14 વર્ષ પૂર્ણ કરીને ટેક્નોલોજીક શિક્ષણ ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ ઉપલક્ષે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે 15માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી , ગેસ્ટ ઑફ ઓનર તરીકે રાજ્ય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના ડિરેક્ટર જી. ટી. પંડ્યા, જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, બીઓજી મેમ્બર અમિત ઠાકર જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્ય શિક્ષણમંત્રી અને કાર્યક્રમના ગેસ્ટ ઑફ ઓનર ડો. કુબેરભાઈ ડિંડોરે સંબોધતાં જણાવ્યું હતું કે , પ્રાચીન સમયમાં નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયોમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ ભારતમાં ભણવા માટે આવતાં હતાં. વર્તમાન સમયમાં પણ 48 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ જીટીયુ ખાતે અભ્યાસ કરી રહ્યા છે. જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. ભારત ફરીથી વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યું છે, તેનું ઉત્તમ ઉદાહરણ જીટીયુ છે.
મુખ્ય અતિથિ અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જીટીયુએ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રોબ્લેમને ઓપર્ચ્યુનિટીમાં ફેરવીને નવીનત્તમ ટેક્નોલોજી વિકસાવી માનવજાત અને સરકારને સહાયરૂપ થયેલ છે. કોરોનાકાળમાં માનવજાતની સેવા કરીને જીટીયુએ ખરા અર્થમાં ઉત્તમ યુનિવર્સિટીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા માસ્ક , સેનિટાઈઝર અને 3ડી ફેસશિલ્ડનું નિર્માણ , લોકડાઉન સમયે ગૃહ વિભાગ દ્વારા પણ જીટીયુના સ્ટાર્ટઅપ નિર્મિત ઉપયોગમાં લેવાયેલ ડ્રોન.
આ ઉપરાંત સમાજની જરૂરીયાતને ધ્યામાં રાખીને ઈંઈખછ માન્યતા પ્રાપ્ત જીટીયુ બાયોટેક લેબમાં 6 ક્લાકના સમયમાં જ કોવિડ ટેસ્ટીંગ કરી શકાય તેવી ક્લાસ-2 શ્રેણીની અદ્યતન લેબ વિકસાવવી અને જીટીયુ ફાર્મસી વિભાગ દ્વારા પણ રેમડેસીવરની ખરાઈ માત્ર 5 મીનીટની સમય મર્યાદામાં કરી આપીને જીટીયુએ કોરોનાકાળમાં રાષ્ટ્રસેવાની ફરજ પરિપૂર્ણ કરી છે. આઈડિયા થી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ પણ પ્રસ્થાપીત થઈને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સ્વપ્ન આજે જીટીયુ સ્વરૂપે સાકાર થયેલું જોવા મળી રહ્યું છે.
15માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જીટીયુના ફેકલ્ટીઝ અને સ્ટાફગણને બેસ્ટ એમ્લોઈઝ, સેક્શન, સ્પેશ્યલ એવોર્ડ, એનબીએ અને નેક એક્રિડેટેડ સંસ્થાઓ, એનબીએની સ્ટેટ લેવલની કમિટી જેવી જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનીત કરાયા હતાં. વિશેષમાં આ પ્રસંગે સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા જીટીયુની તમામ પ્રકારની સિદ્ધિઓની સ્માર્ટ એક્ઝીબીશન ગેલેરી , નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને નવનિર્મિત જીટીયુનો લોગો અને વેબસાઈટ , કેમ્પસ ખાતે બનાવવમાં આવેલ સરસ્વતી પ્લાઝા, પર્યાવરણની જાણવળી થાય તે અર્થે યુનિવર્સિટી સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ શિક્ષણમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે તમામ સેક્શન હેડ અને સ્ટાફગણને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.