અરજદારોના હિતાર્થે કલેક્ટરનો મહત્વનો નિર્ણય
આવકના દાખલા, ઇડબ્લ્યુએસ સર્ટી, નોન ક્રિમિલિયર સર્ટી, રાશન કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરીમાં અશિક્ષિત અરજદારોને પણ કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી 15 દિવસમાં વધારાનો સ્ટાફ બેસાડી ફોર્મ ભરવા સહિતની સુવિધા અપાશે
અરજદારોના હિતાર્થે કલેક્ટરે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં જૂની કલેકટર કચેરીમાં હેલ્પ ડેસ્ક મૂકી વિવિધ દાખલાની કામગીરીને સરળ બનાવાશે. આવકના દાખલા, ઇડબ્લ્યુએસ સર્ટી, નોન ક્રિમિલિયર સર્ટી, રાશન કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરીમાં અશિક્ષિત અરજદારોને પણ કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી વધારાનો સ્ટાફ બેસાડી ફોર્મ ભરવા સહિતની સુવિધા અપાશે.
તાજેતરમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ મામલતદાર કચેરીઓમાં દાખલાઓ કઢાવવા માટે અરજદારોને થતી હાલાકીને લઈને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેને પગલે કલેકટર પ્રભવ જોશીએ સિટી -1 પ્રાંત અધિકારી ચૌધરી અને સિટી-2 પ્રાંત અધિકારી વર્મા સાથે બેઠક કરી જરૂરી ચર્ચાઓ કરી તેમજ ઝીણવટભરી વિગતો જાણી હતી.
ત્યારબાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છેકે જૂની કલેકટર કચેરી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે. આ હેલ્પ ડેસ્ક માટે કલેકટર કચેરીમાંથી જ વધારાનો સ્ટાફ મુકવામાં આવશે. આ હેલ્પ ડેસ્ક માટે હાલ બે જગ્યાની પસંદગી કરવામાં આવી છે. જેમાં પૂર્વ મામલતદારની ઉપર અથવા રાજકોટ ગ્રામ્યની જગ્યાએ આ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવશે.
અરજદારોને હાલ આવકના દાખલા, ઇડબ્લ્યુએસ સર્ટી, નોન ક્રિમિલિયર સર્ટી, રાશન કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરીમાં ઘણી હાલાકી પડી રહી હોય, આગામી 15 દિવસમાં જ આ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ગોઠવવાના આદેશો આપવામાં આવ્યા છે. જેથી અશિક્ષિત અરજદારોને પણ કોઈ તકલીફ ન પડે તે રીતે વધારાનો સ્ટાફ બેસાડી ફોર્મ ભરવા સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે.
ઇ-ધરા કેન્દ્રની ઇમારત જર્જરિત કચેરીને અન્ય સ્થળે ખસેડાશે
બિલ્ડીંગ અત્યંત બિસ્માર હાલતમાં હોય અગાઉ ચોમાસામાં રેકોર્ડ પલળવા સહિતના અણબનાવો બની ચુક્યા છે
છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તાલુકાના ઇ ધરા કેન્દ્રનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હતું. જો કે બે કલેકટર બદલી ગયા પણ આ જર્જરિત બિલ્ડીંગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જો કે સદનસીબે આ કચેરીમાં કોઈ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી. પરંતુ ચોમાસામાં રેકોર્ડ પલળી જવા સહિતના અનેક અણબનાવ બન્યા છે. આ કચેરીમાં અબજોની કિંમતની જમીનના રેકોર્ડ પડ્યા હોય, છતાં તેની સુરક્ષા અંગે આજ સુધી કોઈ દરકાર લેવામાં આવી ન હતી. પણ આ મામલે જાણ થતાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તુરંત નિર્ણય લઈને કચેરીના સ્થળાંતરના આદેશો છોડ્યા છે. આ કચેરીનું આગામી ચોમાસા પૂર્વે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. વધૂમાં આ કચેરીમાં મહત્વનો રેકોર્ડ પડ્યો હોય તેના રેકોર્ડ રૂમને પણ અદ્યતન બનાવવાનું જણાવાયું છે.
કલેકટર કચેરીનું જનસેવા કેન્દ્ર અદ્યતન, છતાં અરજદારોને હાલાકી
જિલ્લા કલેકટર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર કાર્યરત છે. જે અદ્યતન છે પણ હજુ ઘણા ફેરફારોની જરૂર છે. આ જન સેવા કેન્દ્રમાં સત્તાવાર રીતે એક વ્યક્તિને ફોર્મ ભરવા માટે નિમવામાં આવ્યો છે. પણ તે માત્ર કાગળ ઉપર જ છે. દરરોજ અનેક અશિક્ષિત અરજદારો રોડ સુધી પહોંચી ફોર્મ ભરી આપવાની મદદ માંગતા નજરે પડે છે. ઉપરાંત છેલ્લા 3 કલેકટર બદલ્યા, અત્યાર સુધી આધાર કાર્ડની માત્રને માત્ર દરખાસ્તો જ થઈ રહી છે. આધાર કાર્ડની કીટ હજુ સુધી જનસેવા કેન્દ્રને મળી નથી. જન સેવા કેન્દ્રમાં બધી જ કામગીરી થઈ રહી છે અરજદારો તેવું માનીને આયુષમાન કાર્ડ કઢાવવા માટે પણ મોટી સંખ્યામાં આવતા હોય, તેની સેવા શરૂ કરવી જોઈએ.
વધુમાં હાલ અહીં ઇન્ચાર્જ નાયબ મામલતદાર ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. જે વિવિધ કામમાં વ્યસ્ત રહેતા હોય જનસેવા કેન્દ્રમાં નાયબ મામલતદારની સતત ગેરહાજરી રહેતી હોય છે. માટે કાયમી નાયબ મામલતદાર મુકવા જરૂરી છે. બીજી તરફ અહીં રાશન કાર્ડ અને આવકના દાખલાની જે કામગીરી થાય છે તેમાં ખૂબ વિલંબ થાય છે. અહી માત્ર ફોર્મ સ્વીકારીને તે મામલતદાર કચેરીએ મોકલવામાં આવે છે. બાદમાં મામલતદાર કચેરીએથી કામ થઈને પરત જન સેવા કેન્દ્રમાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણા દિવસો વીતી જતા હોય, અરજદારો જન સેવા કેન્દ્રને બદલે સીધા મામલતદાર કચેરીએ જ કામગીરી માટે જાય છે.
શુ ફેરફારની જરૂર
- અશિક્ષિત અરજદારો ફોર્મ નથી ભરી શકતા, તેના માટે અલગથી સ્ટાફની ફાળવણી.
- આધાર કાર્ડ માટેની કિટ ઘણા સમયથી નથી, જેની તાકીદે વ્યવસ્થા કરવી જોઈએ.
- આયુષમાન કાર્ડ કઢાવવા માટે પણ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય, તેની સેવા શરૂ કરવી જોઈએ.
- ઇન્ચાર્જ નાયબ મામલતદાર વિવિધ કામમાં વ્યસ્ત રહેતા હોય, કાયમી મુકવા જોઈએ.
- રાશન કાર્ડ, આવકના દાખલાની જે કામગીરી થાય છે તેમાં ખૂબ વિલંબ થાય છે.