30 ઓક્ટોબરે મતદાન અને 2 નવેમ્બરે મતગણતરી

અબતક, રાજકોટ : ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી છે. ચૂંટણી પંચે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને વિગતો જાહેર કરી છે. જેમાં જણાવ્યા મુજબ 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 2 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં લોકસભા બેઠક માટેની પેટા ચુંટણી યોજાશે. જયારે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની 1, આસામમાં 5, બિહારમાં 2 , હરિયાણામાં 1, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં 2, મધ્ય પ્રદેશમાં 3, મહારાષ્ટ્રમાં 1, મેઘાલયમાં 3, મિઝોરમમાં 1, નાગાલેંડમાં 1 , રાજસ્થાનમાં 2, તેલંગનામાં 1 ,પશ્ચિમ બંગાળમાં 4 વિધાનસભાની બેઠકોની ચૂંટણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ત્રણ બેઠકોમાં દાદરાનગર હવેલી, મધ્યપ્રદેશની ખંડાવા બેઠક, હિમાચલની મંડી બેઠકનો સમાવેશ થાય છે. દાદરા નગર હવેલીનાં સાંસદ મોહન ડેલકરે મુંબઈની એક હોટેલમાં આત્મહત્યા કરી હતી તેવી જ રીતે મધ્યપ્રદેશના ખંડાવાના ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું માર્ચમાં કોરોનાથી મૃત્યુ થયુ હતું. જયારે હિમાચલના મંડીના ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ પણ દિલ્હીમાં તેમના ફલેટ પર મળી આવ્યો હતો. જેથી આ બેઠક ખાલી થઈ હતી. જેને કારણે આ બેઠક ઉપર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.