જે.જે.કુંડલીયા કોલેજનો ૫૦મો વાર્ષિકોત્સવ યોજાયો
રાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ૨૮ વિદ્યાર્થીને સન્માનિત કરાયા
બી.કોમ.નાં વિદ્યાર્થી દેવ મહેતાના કાવ્યસંગ્રહનું વિમોચન એનએસએસનાં ૪૮ સ્વયંસેવકોને શિલ્ડ અપાયા
જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો ૫૦મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ મણિયાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ૨૫ જેટલી કૃતિઓ રજુ કરી હતી. રંગારંગ કાર્યક્રમની સાથે સાથે કોલેજના ૨૮ વિદ્યાર્થીઓ જેઓએ નેશનલ લેવલે તેમજ ઈન્ટરનેશનલ લેવલે એથ્લેટીક, કોસક્ધટ્રી, ખોખો, કરાટે, ફુટબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ, હેન્ડબોલ જેવી રમતોમાં પ્રતિનિધિત્વ કરેલ તેમને સ્પોર્ટસ સ્કોલરશીપ, ટ્રેકસુટ, શુઝ વિગેરે આપી સન્માનિત કરાયા હતા. એન.એસ.એસ.નાં ૪૮ સ્વયંસેવકોને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. તેમજ વર્ષ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કરાયા હતા.
કોલેજનાં ટીવાયબીકોમનાં સેમેસ્ટર-૬નાં વિદ્યાર્થી અને યુવા કવિ દેવ સુનિલ મહેતા અંગ્રેજી ભાષામાં લીખીત કાવ્ય સંગ્રહ ૫૧ સ્પોર્કીગ ગીફટ ઓફ પોએટ્રીઝનું વિમોચન કરાયું હતું. ૫૦માં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશ જોષીએ જણાવ્યું હતું કે, અમારી કોલેજનાં ૩ વિદ્યાર્થીઓ પીએસઆઈ તરીકે, ૧૨ વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને ૮ વિદ્યાર્થીઓ ઈન્ડિયન આર્મીમાં પસંદ થયા છે. તાજેતરમાં સીએ ફાઈનલ પરીક્ષામાં કોલેજનાં ૪ વિદ્યાર્થી પાસ થઈને સીએ બન્યા છે. કુંડલિયા કોલેજ હેન્ડબાલ, ક્રોસક્ધટ્રી અને જુડો રમતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેમ્પીયન બની છે અને તેઓ વર્ષ દરમ્યાન જુદી જુદી સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. કોલેજનાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીનભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપીને સમાજમાં શિક્ષિત અને દિક્ષિત વિદ્યાર્થી તરીકે સામાજીક ઉતરદાયિત્વ નિભાવવાની શીખ આપી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રો.વાઈસ ચાન્સેલર વિજયભાઈ દેસાણીએ સંબોધન કરતા જણાવયું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીલક્ષી અનેક પ્રોત્સાહિત યોજના બનાવી રહી છે. તેનો લાભ વિદ્યાર્થીઓ લ્યે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ નેશનલ લેવલે જુદી-જુદી રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓને સન્માનિત કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.હિમાંશુ રાણિગાએ અને આભારવિધિ ડો.સોનલ નેનાએ કરી હતી. આ કાર્યક્રમમાં કુંડલિયા કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.