જિલ્લાના 80 ગ્રંથાલયોને અપાયો મેઘાણીના પુસ્તકોનો સેટ
અબતક, રાજકોટ
“રાષ્ટ્રીય શાયર” તરીકે ખ્યાતિ પામેલા મૂર્ધન્ય લોકસાહિત્યકારશ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરના 33 જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ “કસુંબીનો રંગ” ઉજવવામાં આવ્યો હતો.
રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આ રાજ્યવ્યાપી કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે લોકસાહિત્યનું સંપાદન કરીને ઝવેરચંદ મેઘાણીએ પ્રખર યુગધર્મ બજાવ્યો છે. આઝાદીના સમયે જાહેર જનતામાં સંયમપૂર્વકનો જુસ્સો પૂરવામાં મેઘાણીના ગીતોએ ચાલક બળનું કામ કર્યું છે. પચાસ વર્ષના ટૂંકા આયુષ્યની ક્ષણેક્ષણનો ઉપયોગ કરીને ઝવેરચંદ મેઘાણીએ ઉત્તમ સાહિત્યનું સર્જન તો કર્યું જ છે, પરંતુ ગામડે ગામડે ફરીને લોકસાહિત્યનું સંપાદન કર્યું છે, તેમના આ કાર્ય માટે ગુજરાતની નવી પેઢી તેમની સદા ઋણી રહેશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આજે ગુજરાતના 33 જિલ્લાઓમાં મેઘાણીની 125મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ત્યારે જીવન કેટલું જીવીએ છીએ મહત્વનું નથી પણ કેવું જીવીએ છીએ એ મેઘાણીના જીવનમાંથી ઉદાહરણ લઈ શકીએ. મેઘાણી સમગ્ર જીવન રાષ્ટ્રની આવનારી પેઢીઓ માટે જીવ્યા પરાધીનતામાંથી સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય તેના માટે પ્રત્યેક નાગરિકનો શું ધર્મ છે તે એમણે પ્રકાશિત કર્યું તેમણે પોતાના આચરણથી લોકસાહિત્ય જીવનને આડે વગડે પડેલા જીવનને ઉજાગર કર્યું તેમ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ઝવેરચંદ મેઘાણીને શબ્દાંજલી આપી બિરદાવ્યા હતા.
મંત્રી આર.સી.ફળદુ તથા આમંત્રિત મહેમાનોના હસ્તે રાજકોટ જિલ્લાના 80 ગ્રંથાલયોને ઝવેરચંદ મેઘાણીના 10 પુસ્તકોનો સેટ પ્રદાન કરાયો હતો. જાણીતા લોકગાયક બિહારી ગઢવી તથા દેવરાજ ગઢવીએ ઉપસ્થિતોને ઝવેરચંદ મેઘાણીના લોકજીભે સચવાયેલા અમર ગીતોનો રસાસ્વાદ કરાવ્યો હતો.
રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી શુભારંભ થયો હતો. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોથી આમંત્રીતોનુ સ્વાગત કરાયું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનની રજૂઆત કરતી એક ટૂંકી ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે. વાઘેલા, જિલ્લા રમત-ગમત અધિકારી જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી કેન્દ્રના નિયામક ડો. ચંદ્રવાડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવિધ ભવનોના વડાઓ, સિન્ડિકેટ સભ્યો, શિક્ષકો, મેઘાણીપ્રેમી નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ભવનના ડો. મનોજ જોશીએ કર્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે રાષ્ટ્રીય શાયર મેઘાણીની 125મી જન્મજયંતિ નીમીતે યોજાયો ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ: શ્રોતાઓને મેઘાણીના ગીતોથી રસ તરબોળ કરતા બિહારી ગઢવી અને દેવરાજ ગઢવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘શાયર ઝવેરચંદ મેઘાણી’ નામ આભૂષણરૂપ ગણાશે: નિદત બારોટ
ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ છે. ત્યારે ઝવેરચંદ મેઘાણીને રાજકોટ સાથે અતૂટ નાતો રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ શાયર ઝવેરચંદ મેઘાણી નામ જાહેર કરાય તો આભૂષણરૂપ ગણાય તેવું મુખ્યમંત્રીને આવેદન ર્ક્યું છે. જ્યારે વિદ્યાર્થીના ગુણપત્રમાં મેઘાણીનું નામ હશે આપણું આગવું ગૌરવ ગણાશે. ઝવેરચંદ્ર મેઘાણીને 100 વર્ષ થયા ત્યારે જય વસાવડાએ પણ માંગ કરી હતી. હવે તે માંગ પુરી થાય તે માટે કુલપતિને જણાવ્યું હતું.