નાણાકીય વર્ષ 2023માં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દ્વારા સરકારને થતી આવક 21 ટકા વધીને રૂ.10,639 કરોડે પહોંચી
અગાઉ માત્ર જમીનના સોદા વધુ થતા, પણ જમીનમાં સુવિધા ઉભી કરી વધુ રકમ મેળવવા માટે થતા સોદાનું પ્રમાણ વધ્યું છે. આમ જમીનને ડેવલપ કરી વેલ્યુ એડિશન થતા સરકારની તિજોરી પણ છલકાઈ છે. નાણાકીય વર્ષ 2023માં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દ્વારા સરકારને થતી આવક 21 ટકા વધીને રૂ. 10,639 કરોડે પહોંચી છે.
ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ગણતરી કરાયેલ સ્ટેમ્પ ડ્યુટી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022માં રૂ. 4.59 લાખ કરોડની સરખામણીએ રાજ્યમાં નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 8.45 લાખ કરોડના મિલકત વ્યવહારો જોવા મળ્યા હતા.
આ વ્યવહારો રિયલ્ટી સેગમેન્ટમાં ફેલાયેલા હતા જેમ કે રહેણાંક અને વ્યાપારી મિલકતો, ઔદ્યોગિક જમીન, કૃષિ અને બિન-ખેતીની જમીન, પ્લોટિંગ તેમજ સમગ્ર ગુજરાતમાં વર્ષ દરમિયાન થયેલા પુનર્વેચાણના સોદા. 2019-20માં, કોવિડ પહેલા, પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન 6.3 લાખ કરોડ રૂપિયા હતા.
ખરીદીના વ્યવહારો પૂર્ણ કરવાની ઉતાવળથી નાણાકીય વર્ષ 2023 દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દ્વારા રૂ. 10,639 કરોડની આવક થઈ હતી, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ 21.49% વધુ છે.
ક્રેડાઈના અંદાજો સૂચવે છે કે ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023 દરમિયાન એક વર્ષમાં સૌથી વધુ દસ્તાવેજો નોંધાયા હતા, જે 16.28 લાખ હતા. એક જ વર્ષમાં, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો લગભગ 35,000 એકમોના હસ્તાંતરણના સાક્ષી છે જે રાજ્યની સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી વસૂલાતમાં નોંધપાત્ર યોગદાન આપે છે. 2022-23 કોવિડ-મુક્ત વર્ષ હોવાથી, અને એકંદરે મિલકત ખરીદીની ભાવના હકારાત્મક હતી, નોંધણીઓની સંખ્યા ઘણી વધારે હતી. વધુમાં, તોળાતી જંત્રીની સમયમર્યાદાને કારણે પણ લોકો નાણાકીય વર્ષ પૂરા થતાં પહેલાં વ્યવહારો બંધ કરી દેતા હતા, ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું.
આ વધારો ગુજરાતમાં સમૃદ્ધ રિયલ એસ્ટેટ માર્કેટનો સંકેત આપે છે. રિયલ એસ્ટેટ સોદામાં સામાન્ય રીતે રોકડ વ્યવહારના ઘટકને ધ્યાનમાં લેતા વાસ્તવિક ટ્રાન્ઝેક્શન મૂલ્ય વધુ હશે,અહીં સ્થિત અન્ય ડેવલપરે જણાવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં નોંધાયેલા દસ્તાવેજોના મૂલ્યમાં વધઘટ જોવા મળી છે. જોકે, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાં અપવાદ તરીકે નાણાકીય વર્ષ 2020-21ના કોવિડ વર્ષ સાથે સતત વૃદ્ધિ જોવા મળી હતી.