નેપાળ સાથે વીજળીના કરાર કરી ભારતે એક કાંકરે અનેક પક્ષી ઉડાડયા છે. જેનાથી પાડોશી દેશમાથી આવતા પાણીથી પૂર્વોત્તરમાં થતી પુરની સ્થિતિમાં રાહત મળશે, સરહદી પ્રશ્નો ઉકેલાશે, ચીન કરતા વધુ સારા સંબંધો રહેશે તેવી આશા સેવાઈ રહી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરની બે દિવસીય મુલાકાત દરમિયાન નેપાળે ચાર લાંબા ગાળાના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર આગામી 10 વર્ષમાં ભારતમાં 10,000 મેગાવોટ પાવરની નિકાસને સરળ બનાવશે. જયશંકર અને નેપાળના ઉર્જા, જળ સંસાધન અને સિંચાઈ મંત્રી શક્તિ બહાદુર બસનેતની હાજરીમાં અહીં દ્વિપક્ષીય બેઠકમાં પાવર નિકાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નેપાળના ઉર્જા સચિવ ગોપાલ સિગડેલ અને તેમના ભારતીય સમકક્ષ પંકજ અગ્રવાલે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
પાડોશી દેશમાથી આવતા પાણીથી પૂર્વોત્તરમાં થતી પુરની સ્થિતિમાં રાહત મળશે, સરહદી પ્રશ્ર્નો ઉકેલાશે, ચીન કરતા વધુ સારા સંબંધો રહેશે
ગયા વર્ષે, વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ’પ્રચંડ’ની 31 મેથી 3 જૂન દરમિયાન ભારતની મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે વીજળીની નિકાસ પર સમજૂતી થઈ હતી. આ ઉપરાંત નેપાળ ઈલેક્ટ્રીસીટી ઓથોરીટી અને ભારત વચ્ચે લાંબા ગાળાના ઉર્જા વેપાર, નેપાળ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડના બુચ લુનાસ ઉપગ્રહ માટે નેપાળને ટેકનિકલ સહાય અને પુન:પ્રાપ્ય ઉર્જા પ્રમોશનમાં સહયોગ માટે પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જયશંકરે નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદ સાથે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને સંરક્ષણ અને સુરક્ષામાં સહયોગ અંગે ચર્ચા કરી હતી.
જયશંકરે કહ્યું, 2024ના પ્રથમ પ્રવાસ પર ફરી નેપાળ આવીને ખુશ છું. અગાઉ, તેમણે નવી દિલ્હીમાં કહ્યું હતું કે, નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ નેપાળ ચોક્કસપણે ભારતનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાત બે નજીકના અને મૈત્રીપૂર્ણ પાડોશીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ધ્યાનમાં રાખીને છે.
જયશંકરે નેપાળના વિદેશ પ્રધાન એનપી સઈદ સાથે 7મી ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને આર્થિક સંબંધો, જમીન, રેલ અને હવાઈ જોડાણ પ્રોજેક્ટ, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, ઉર્જા, ઉર્જા, જળ સંસાધનો, આપત્તિ વ્યવસ્થાપન, પર્યટન, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને પક્ષોએ ઉચ્ચ અસરવાળા સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સના અમલીકરણ, લાંબા ગાળાના વીજ વેપારમાં સહકાર, પુન:પ્રાપ્ય ઉર્જા વિકાસ અને જાજરકોટ ભૂકંપ પછી રાહત પુરવઠોનો 5મો તબક્કો સોંપવા અંગે કરારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત રીતે ત્રણ ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઈનોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
વિદેશ મંત્રીએ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને પીએમ પુષ્પ કમલ દહલ ’પ્રચંડ’ સાથે મુલાકાત કરી અને અનોખા અને બહુ-આયામી ભારત-નેપાળ સંબંધો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. જયશંકરે પ્રચંડને પીએમ નરેન્દ્ર મોદીની શુભકામનાઓ પાઠવી અને જૂન 2023માં તેમની સફળ ભારત મુલાકાતને યાદ કરી જેણે સંબંધોને નવી ગતિ આપી. પ્રચંડે કહ્યું, ભારત-નેપાળ મિત્રતા અનોખી છે.
જયશંકરે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પૌડેલે નેપાળ અને ભારત વચ્ચે આબોહવા પરિવર્તન અને હાઇડ્રોપાવરની અસરોને ઘટાડવા, કનેક્ટિવિટીનાં ક્ષેત્રોમાં ભાગીદારી અને સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.