ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટે કુલ રૂ. ૯૭ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુહૂર્ત કરાયું
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના તમામ ઘરોમાં આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘નલ સે જલ અભિયાન’ અંતર્ગત નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. જેના ભાગરૂપે આગામી બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના પાંચ જિલ્લાના તમામ ૧૦૦ ટકા ઘરોને નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી મોરબી શહેર-ગ્રામ્ય માટે પાણી પુરવઠા વિભાગની યોજનાના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. ૧૯ કરોડના ખર્ચે તૈયાર થયેલી મોરબી શહેર માટે પાણી પુરવઠા યોજના પેકેજ-૨નું ઇ-લોકાર્પણ તેમજ હળવદને પાણી પુરૂ પાડતી રૂ. ૭૮ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રામણી ૧ અને ૨ ડેમ આધારીત એન.સી.ડી.-૪ ગૃપ સુધારણા યોજનાનું ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયા જોડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાનમાં મદદ માટે ગુજરાતના ખેડૂતોના હિતમાં રૂ. ૩૭૦૦ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને સમાવી લેવામાં આવ્યા છે. આ સહાય પેકેજમાં હેક્ટર દીઠ રૂ. ૧૦ હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતે કોરોના મહામારીમાં પણ પોતાની વિકાસ યાત્રા સતત આગળ વધારી છે. જેના ભાગરૂપે આજે મોરબી નગર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાના પાણી માટેની કુલ રૂ. ૯૭ કરોડના વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મંત્ર જાન ભી જહાંન ભી હૈના મંત્રને સાર્થક કરીને કોરોના વચ્ચે સાવચેતી રાખીને ડર્યા વિના ગુજરાત સરકારે છેલ્લા ચાર મહિનામાં રૂ. ૧૦૪૭૧ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ- ઇ-ખાતમૂર્હુત કરીને વિકાસ યાત્રા સતત આગળ વધારી છે. રાજ્ય સરકારના કોરોના સારવારના સઘન પગલાંના પરિણામે આજે ગુજરાતનો રિકવરી રેટ ૮૪ ટકા જ્યારે મૃત્યુ દર ૭ ટકાથી ઘટીને ૨.૭ ટકા થયો છે. હજી પણ વધુ ટેસ્ટિંગ દ્વારા કોરોનાને હરાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે રાજ્યના છેવાડાના માનવીને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પાણીનો દુષ્કાળ ભુતકાળ બને તેવા ઉદ્દેશ સાથે સૌની યોજના અમલમાં મૂકવામાં આવી છે. સૌની યોજનામાં હાલમાં ફેઝ-૧ અને ફેઝ-૨નું કામ પૂર્ણ થયું છે જ્યારે આગામી ટૂંક સમયમાં ફેઝ-૩નું કામ પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાથી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમને મા નર્મદાના પાણીથી ભરીને સૌરાષ્ટ્રની જનતા માટે પાણીની અછત દૂર થશે. તાજેતરમાં ભારતમાં પ્રથમ ગાંધીનગર શહેર માટે ૨૪ કલાક પીવાનું પાણી પુરૂ પાડવા માટેની યોજનાનું ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રણી મોરબી શહેર ગુજરાતને વિદેશી હુંડીયામણ કમાવી આપે છે. રાજ્ય સરકારે પણ ઉદ્યોગોને વિશેષ લાભ થાય તે હેતુથી છેલ્લા વર્ષમાં બે વાર ગેસના ભાવ ઘટાડ્યા છે તેમ જણાવી આ પ્રસંગે મુખ્યમંત્રીએ મોરબી શહેર અને હળવદ વિસ્તારમાં પીવાના પાણીની નવી યોજનાઓના ઇ-લોકાર્પણ- ઇ-ખાતમૂર્હુત બદલ સૌને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. ગાંધીનગર ખાતેથી પાણી પુરવઠા વિભાગના સચિવ ધનજંય દ્વિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે મોરબી અને હળવદ ખાતે હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, બ્રિજેશભાઇ મેરઝા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ, જિલ્લા કલેક્ટર, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઇ સહિત હોદ્દેદારો-અધિકારીઓ અને સરપંચઓ ઉપસ્થિતિ રહ્યા હતા.