અબતક-રાજકોટ
હાલ રાજયભરમાં કોરોનાના કેસ સીંગલ ડિજિટમાં સમેટાય ચુકયા છે ત્યારે નવા વેરીઅન્ટનો ખતરો દેશભર પર મંડરાય રહ્યો છે. રાજ્યમાં નવા વેરઅન્ટના કેસ નોંધાય છે કે કેમ તે જોવા માટે જ જાણે રાજય સરકારે રાત્રિ કરફયુમાં થી સંપુર્ણ મુકિત આપી નથી.
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રિ કરફ્યુની મુદ્ત 10 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જો કે તેમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. લોકો રાત્રિના સમયે જ્યારે ઘસઘસાટ ઉંઘી રહ્યા હોય તેવા સમયે અર્થાત્ રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી એટલે કે નામ પુરતો માત્ર ચાર કલાક જ રાત્રિ સંચારબંધી અમલમાં રહેશે. રેસ્ટોરેન્ટ પણ 12 વાગ્યા સુધી ખૂલ્લા રાખવાની છૂટછાટ આપવામાં આવી છે.
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર,
ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 30મી નવેમ્બર સુધી રાત્રિના 1 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં હતો. દરમિયાન ગઇકાલે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં દિવાળીના તહેવારોને લઇ જે છૂટછાટ આપવામાં આવી હતી. તે તમામ યથાવત રાખવામાં આવી છે. કોરોનાના નવા વેરિએન્ટને લઇ આઠ મહાપાલિકા વિસ્તારોમાં રાત્રિ કરફ્યુ 10મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. આજથી 10 દિવસ રાત્રિના 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે.
રાત્રિ કરફ્યુમાં દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્સ, લારી-ગલ્લા, શોપીંગ સેન્ટર, માર્કેટીંગ યાર્ડ, ગુજરી બજાર, હેર સલૂન, બ્યૂટી પાર્લર સહિતના વેપારીઓ રાત્રિના 12 વાગ્યા સુધી દુકાનો ખૂલ્લી રાખી શકશે. રેસ્ટોરેન્ટ પણ બેઠકના 75 ટકા ક્ષમતા સાથે રાત્રિના 12 વાગ્યા સુધી ખૂલ્લી રાખી શકાશે. જેમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. સિનેમા હોલ, જીમ, બગીચા, શાળાઓ, ટ્યુશન ક્લાસ, વોટર પાર્ક, પરિવહન સેવા અગાઉની ગાઇડલાઇન મુજબ ચાલુ રહેશે. રાજકીય મેળાવડો, લગ્ન સમારોહ, માઠા પ્રસંગોમાં રાબેતા મુજબ છૂટછાટ રહેશે. હવે રાત્રિ કરફ્યુ માત્ર નામ પુરતો જ અમલમાં રહેશે તેવું લાગી રહ્યુ છે.