વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે બે વખત ‘વંદે માતરમ્’ના ગાન બાદ બોર્ડ-બેઠક પૂર્ણ
રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપભાઇ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી. બે વર્તમાન મહિલા કોર્પોરેટરોને ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા થતાંની સાથે જ પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ થઇ ગયો હોય આજે બે ઉમેદવારો સહિત બોર્ડ-બેઠકમાં 10 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જો કે વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતાના અમલમાં હોવાના કારણે આજે બોર્ડ-બેઠક માત્ર ‘વંદે માતરમ્’ ગાન પૂરતી સિમિત રહેવા પામી હતી. એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લઇ શકાયો ન હતો.
નિયમ મુજબ કોર્પોરેશનમાં દર બે મહિને સામાન્ય સભા ફરજિયાતપણે બોલાવવી પડે છે. આજે સવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે એકપણ દરખાસ્ત પર નિર્ણય લઇ શકાયો ન હતો. વંદે માતરમ્નું ગાન બે વખત કરાયા બાદ ગણતરીની મિનિટોમાં બોર્ડ-બેઠક પૂર્ણ થઇ હોવાની ઘોષણા કરી દેવામાં આવી હતી. તમામ 12 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી.
વોર્ડ નં.1ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ભાજપે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નં.2ના કોર્પોરેટર અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહને રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પ્રચાર-પ્રસાર હાલ પૂરજોશમાં શરૂ થઇ ગયો હોવાના કારણે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બંને ઉમેદવારો સહિત કુલ 10 કોર્પોરેટરો બોર્ડ-બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેઓ તમામે રજા રિપોર્ટ મૂકી દીધાં હતા. ભાનુબેન બાબરિયા અને ડો.દર્શિતાબેન શાહ ઉપરાંત દુર્ગાબા જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા, અલ્પેશભાઇ મોરઝરીયા, ડો.હાર્દિક ગોહિલ, વર્ષાબેન પાંધી, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને ભારતીબેન પરસાણા ઉપરાંત વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા.
જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ ‘આપ’નો ખેસ ધારણ કરી લેનાર વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાના કારણે તેઓની ગણના હવે નગરસેવક તરીકે કરવામાં આવતી નથી. આજે બોર્ડ-બેઠકમાં તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે.
નગરસેવિકા અનિતાબેન ગૌસ્વામી વ્હીલચેરમાં બેસી આવ્યા બોર્ડ-બેઠકમાં
વોર્ડ નં.17ના ભાજપના નગરસેવિકા અનિતાબેન ગૌસ્વામીની તબિયત છેલ્લાં ઘણા સમયથી બિમાર છે. ડિલીવરી બાદ તેઓની તબિયત વધુ લથડતાં સારવાર અર્થે છેક મુંબઇ લઇ જવા પડ્યા હતા અને ત્યાં સર્જરી કરાવવાની ફરજ પડી હતી. જેના કારણે તેઓ છેલ્લી બે બોર્ડ-બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. હવે તેઓની તબિયત ધીમે-ધીમે સુધારા પર હોય એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે તેઓ વ્હીલચેરમાં પોતાના પતિ ગૌતમભાઇ ગૌસ્વામી સાથે બોર્ડમાં હાજરી આપવા માટે આવ્યા હતા. એક તરફ ચૂંટણી પ્રચારની વ્યસ્તતાના કારણે 10 કોર્પોરેટરોએ બોર્ડમાં રજા રિપોર્ટ મૂકી દીધા હતા ત્યારે બીજી તરફ નાદુરસ્ત તબિયત છતાં અનિતાબેન ગૌસ્વામી બોર્ડમાં આવ્યા હતા.
સ્ટેન્ડિંગ મિટીંગ પણ બની ‘પેન્ડિંગ’ મિટીંગ!
નિયમ મુજબ દર મહિને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી ફરજિયાત છે. આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જો કે આ બેઠક પેન્ડિંગ મિટીંગ બની ગઇ હતી. કારણ કે વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે કોઇ નિતી વિષયક નિર્ણય લઇ શકાતા નથી. જેના કારણે સ્ટેન્ડિંગ મંજૂરી અર્થે મૂકવામાં આવેલી તમામ 11 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. હવે આચાર સંહિતા ઉઠ્યા બાદ જ્યારે પ્રથમવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે ત્યારે હાલ જે દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે તે અંગે નિર્ણય લેવામાં આવશે.