વિજ્ઞાન જાથાનો ૧૧૬મો સફળ પર્દાફાશ: ૮ વર્ષથી ચાલતી ધતિંગ લીલા આખરે બંધ થઈ
રાજકોટથી જામનગર રોડ ઉપર આવેલ પરાપીપળીયા ગામમાં છેલ્લા આઠ વર્ષથી ઘરમાં મામાદેવનું સ્થાનક બનાવી બટુક ભોજનની આડમાં દોરા-ધાગા, ભભુતી આપી રોગ મટાડવાનો દાવો કરી જિંદગી સાથે ખિલવાડ કરનાર મામાદેવ નરેશ અમરશી સોલંકીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની મદદથી ૧૧૬૨મો સફળ પર્દાફાશ કર્યો હતો. મામાદેવે આજીવન કપટલીલા બંધની કબુલાત આપતા મામલો થાળે પડયો હતો. રીક્ષા ચાલકમાંથી મામાદેવ બનતા અઢળક સંપતિમાં આળોટવા માંડયો હતો.
બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે છેલ્લા છ માસથી રૂબરૂ-ટેલીફોનથી માહિતીમાં પરાપીપળીયા ગામમાં એકતા સોસાયટી, ગુ.હાઉ.બોર્ડના મકાનમાં મામાદેવનું બોર્ડ મારી છેલ્લા આઠ વર્ષથી દર મંગળવારે બટુક ભોજનની આડમાં ભુવો નરેશ સોલંકી જોવાનું કામ કરે છે. જેમાં અસાઘ્યરોગ, ડાયાબીટીસ, પથરીનો દુ:ખાવો, વા-પગની તકલીફ, રોગમાં સીગારેટની રાખ આપી પાણીમાં નાખી પીવાથી સાજા કરવા, ચાર ચોકમાં ઉતાર કરવો, કાળા વસ્ત્રો, અડક, તલ, શ્રીફળ, લીંબુ, અગરબતી, સિગારેટ, અતર વિગેરે વિધિવિધાનનો ઉપચાર વિગેરે ડિંડકલીલા કરી મજબુર-લાચાર લોકો સાથે યેનેકન છેતરપિંડી કરતો હોવાની માહિતી આપી હતી. ભોગ બનેલા અસંખ્ય પીડિતોએ ભાંડાફોડ કરવા જાથાને રજુઆત કરી હતી. ભુવો રીક્ષા ચલાવતો, પત્નિ પાંચ-છ જગ્યાએ ઘર કામ કરતી તેમાંથી મામાદેવ સ્વપ્નમાં આવતા ધતિંગ લીલાથી અઢળક સંપતિમાં આળોટવા માંડયો હતો. અસાઘ્ય પીડિત દર્દીનું મોત થઈ જાય તે પહેલા મામાદેવનું ધતિંગ બંધ થઈ જાય તે સંબંધી માહિતી આપવામાં આવી હતી.
બાદમાં જાથાના ચેરમેન જયંત પંડયાએ ગાંધીગ્રામ પોલીસને સાથે રાખી અંધશ્રદ્ધા ફેલાવતા શખ્સ પાસેથી હવે આ પ્રકારની પ્રવૃતિ ન કરવાની બાંહેધરી અપાવડાવીને આગળની કાર્યવાહી કરી હતી.