ઉદ્યોગપતિને ફસાવનાર યુવતીનો સાગરીત ઉદ્યોગપતિનો દુર નો સગો થતો હોવાનો ખુલાસો
મોરબીના ચકચારી હનીટ્રેપ કેસમાં ઉદ્યોગપતિને ફસાવનાર ચાલબાજ યુવતી અને તેના ખંડણીખોર સાગરીતે રિમાન્ડ દરમિયાન ચોકવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે આરોપી રમેશ દઢાણીયા સટ્ટા અને જુગારમાં મોટી રકમ હારી જતા પોતાના જ દૂર ના સગા એવા ઉદ્યોગપતિને કાજલ પરમારની મદદથી ફસાવવા કારસો ઘડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી બાદમાં પોતાના ઘેર બોલાવી શારીરિક સંબંધો બાંધી વિડીયોક્લિપ ઉતારી લેનાર ચાલબાજ યુવતીએ ઉદ્યોગપતિને બ્લેકમેલ કરી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણમાં મૂળ ધ્રોલની અને હાલ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી કાજલ હેમરાજ પરમાર નામની યુવતી વિરુદ્ધ મોરબી સીટી બી – ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક અસરથી યુવતી અને તેના સાગરીત એવા રમેશ તળશી દઢાણીયા નામના શખ્સને ખંડણી લેવા આવો કહી બન્નેને આબાદ ઝડપી લીધા હતા.
બાદમાં પોલીસના હાથે ઝડપાયેલ કાજલ પરમાર અને રમેશ દઢાણીયાને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી આરોપીઓએ અન્ય કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ માટે રિમાન્ડ ઉપર લેવામાં આવતા કાજલે કબુલ કર્યું હતું કે અગાઉ તેણી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે મોરબી આવતા ઉદ્યોગપતિના પરિચયમાં આવી હતી અને કોલેજ બાદ નોકરી કરવા અંગે પૂછતાં ઉદ્યોગપતિએ પોતાનું વિઝીટિંગ કાર્ડ આપ્યું હતું. જો કે કાજલ અગાઉથી જ તેના સાગરીત એવા રમેશ દઢાણીયા સાથે પરિચયમાં હોવાનું કબુલ્યું હતું.
વધુમાં રૂપિયા એક કરોડની ખંડણી માંગવાના આ ચકચારી બનાવમાં રમેશ જુગાર અને સટ્ટામાં નાણાં હારી જતા મોટા ઉદ્યોગપતિને ફસાવવા નક્કી કર્યું હતું અને ભોગ બનનાર ઉદ્યોગપતિ રમેશના દૂર ના સગા થતા હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે.
આશ્ચર્યજનક કબૂલાત આપતા કાજલ અને રમેશે પોલીસ સમક્ષ પોપટ બની કબૂલાત કરતા જણાવ્યું હતું કે બ્લેકમેલ કરી એક કરોડની ખંડણી માંગવા પ્રકરણમાં અગાઉ બન્ને એ મળી ઉદ્યોગપતિ પાસે રૂપિયા બે કરોડ માંગ્યા હતા પરંતુ ડીલ ફાઇનલ ન બાદમાં દોઢ કરોડ અને છેલ્લે એક કરોડમાં ડીલ ફાઇનલ થઈ હતી પરંતુ ત્યાં સુધીમાં મામલો પોલીસ સુધી પહોંચતા કાજલ અને રમેશનો પ્લાન ચોપટ થઈ ગયો હતો.