- ત્રણ મોબાઈલ નંબર અને 16 બેંક એકાઉન્ટધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ
સાયબર ગઠીયાઓ યેનકેન પ્રકારે લોકોને ભોળવી, વિશ્વાસ કેળવી મસમોટી આર્થિક છેતરપિંડી આચરી લેતા હોય છે. ત્યારે વધુ એક આવો બનાવ મોરબીથી સામે આવ્યો છે. જેમાં એક વેપારી યુવાનને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાકટ અપાવી દેવાના નામે રૂ. 1.08 કરોડની છેતરપિંડી આચરી લીધાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ છે.
મોરબીમાં રહેતા કારખાનેદારને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી જુદી જુદી બેંકના એકાઉન્ટની અંદર રૂપિયા મંગાવવામાં આવ્યા હતા. 1.08 કરોડ રૂપિયા મેળવી લીધા બાદ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી અને રૂપિયા પરત આપવામાં આવતા નથી. જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડીની 3 મોબાઇલ નંબકના અને 16 બેન્ક એકાઉન્ટ ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વર્તમાન સમયમાં ભેજાબાજ શખ્સો દ્વારા યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને શેરબજારમાં વધુ નફો કમાવી દેવાની લાલચ આપીને તથા જુદી જુદી કંપનીઓની ડીસ્ટ્રિબ્યુશન શિફ્ટ આપવાની લોભામણી વાતો કરીને લોકોને સીસામાં ઉતારવામાં આવતા હોય છે. આવી જ રીતે મોરબીમાં રહેતા વેપારી યુવાનને છેતરવામાં આવેલ છે
જેની મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે આવેલ જય અંબેનગર સોસાયટી મારુતિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401માં રહેતા દિવ્યેશ ભરતભાઈ સવસાણી (ઉ.25)એ હાલમાં ત્રણ મોબાઈલ નંબર તથા 17 બેન્ક એકાઉન્ટ નંબરના ધારકોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત, છેતરપિંડીની તથા આઈટીઆઈની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં વેપારીએ જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામની સીમમાં તેનું સ્પાર્કલ પોલીમર્સ નામનું કારખાનું આવેલ છે અને તેને પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહીને લોભામણી વાતો કરીને વિશ્વાસ કેળવી ભરોસો કેળવ્યો હતો. ત્યાર બાદ ઈમેલ મારફતે જુદા જુદા ફોર્મ મોકલવામાં આવ્યા હતા અને તેની અવેજમાં તેને રૂપિયા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું. માટે તે યુવાને જુદી જુદી બેંકના એકાઉન્ટ નંબરની અંદર કુલ મળીને 1,08,78,458 રૂપિયા જમા કરાવ્યા હતા.
જોકે તા. 3/3/2022 થી 24/11/2022 દરમિયાન આ રકમ આપવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી આ યુવાનને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી અને તેણે જમા કરાવેલા રૂપિયા પણ પરત આપવામાં આવ્યા નથી જેથી કરીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાથી ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ 406, 420, 120 (બી) તથા આઈટી એક્ટની કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.