ચૂંટણી વર્ષમાં તમામને રાજી રાખવાનો પ્રયાસ

પ્રોફેશનલ ટેક્સ ભરપાઇ નહી કરનાર વેપારીને વ્યાજ અને દંડમાંથી મુક્તિ સહિતની જોગવાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષમાં તમામ વર્ગોને રાજી રાખવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. દરમિયાન ગઇકાલે વ્યવસાય વેરામાં સમાધાન યોજના જાહેર કરવામાં આવી હતી. જે આગામી 31મી ડિસેમ્બર સુધી અમલી રહેશે. ચડત વ્યવસાય વેરામાં વેપારીઓને વ્યાજ માફી અને દંડમાંથી મુક્તિ આપવામાં આવશે.

અનેક ધંધાર્થીઓએ વ્યવસાયવેરો ભરવાપાત્ર હોવા છતાં વ્યવસાય વેરાના તંત્રમાં પોતાની નોંધણી કરાવેલ નથી. આવા બિન નોંધાયેલ વ્યવસાયીઓ /નિયોક્તાઓમાં નાના કારખાનેદારો અને નાના પાયે વ્યવસાય કરનારાઓની સંખ્યા બહોળી છે.

આવા વ્યવસાયીઓ વ્યવસાયવેરા કાયદાની જોગવાઇઓનું પાલન કરવા અને પોતાની ચૂક સુધારવા ઇચ્છતા હોવા છતાં શિક્ષાત્મક કાર્યવાહીના ભયથી પોતાની ક્ષતિ સુધારવા પ્રેરિત થતાં નથી. આથી આવા નાના કરદાતાઓને જો કાયદાના ભંગમાંથી નિષ્પન્ન થતી શિક્ષાત્મક કાર્યવાહીમાંથી રાહત આપી પોતાની ક્ષતિ સુધારી લેવાની તક આપવામાં આવે તો આવા કરદાતાઓ તેઓએ ભરવાનો થતો વેરો નિયમિતપણે ભરી શકે તથા રાજ્ય સરકારની અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વેરાકીય આવકમાં વધારો થવાથી આવી સંસ્થાઓ દ્વારા પોતાના વિસ્તારોમાં નાગરિકોની સુખસુવિધામાં વધારો કરવા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યોને પણ વેગ મળી શકશે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આગામી 31મી ડિસેમ્બર સુધી વ્યવસાય વેરામાં સમાધાન યોજના જાહેર કરી છે.

જેમાં વ્યવસાય કરતી વ્યક્તિ કે સંસ્થાઓ જેઓ વ્યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્યવસાય વેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી. તેઓ આ વેરા સમાધાન યોજનાના સમય દરમ્યાન વ્યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે અને ઉક્ત સમય દરમ્યાન નિયત દરે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ થયેથી તેને તરત જ એનરોલમેન્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

જે વ્યવસાયીઓ વ્યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્ટ પ્રમાણપત્ર ધરાવે છે પરંતુ તેઓએ કોઇ કારણોસર વ્યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાના કસૂરદારો જેટલા વર્ષનો વ્યવસાય વેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાય વેરાની રકમ નિયત દરે ભરી નિયત નમૂનામાં અરજી કરે તો તેઓને આકારવાપાત્ર વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.

આ યોજના અન્વયે કામે રાખનાર નિયોકતા કે જેઓએ વ્યવસાય વેરા હેઠળ નોંધણી નંબર મેળવેલ નથી અને વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ નથી તેમજ સરકારમાં જમા કરાવેલ નથી તેઓ આ વેરા સમાધાન યોજનાના સમય દરમ્યાન રજીસ્ટ્રેશન મેળવવા અરજી કરે અને નિયત દરે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ થયેથી તેઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે અને આકારવાપાત્ર વ્યાજમાંથી મુકિત આપવામાં આવશે તેમજ તેઓને દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

નિયોકતાએ તેમના વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ હોય પરંતુ સંબંધિત સત્તાધિકારી સમક્ષ જમા કરાવેલ ન હોય તેવા નિયોક્તા જો ઉઘરાવેલ વ્યવસાય વેરોની રકમ માસિક 1.5 ટકા લેખે વ્યાજ સહિત ભરે તો તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે અથવા નિયોક્તાએ જો વેરો ઉઘરાવેલ જ ન હોય તો તેઓને વ્યાજ અને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

યોજના 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. તે ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધો અને રોજગાર વેરા અધિનિયમ, 1976 હેઠળ તા.01.04. 2008ના જાહેરનામાથી નિર્દિષ્ટ કરવામાં આવેલ સર્વે ડેઝીગ્નેટેડ ઓથોરીટીઝને જાહેરનામામાં દર્શાવેલ વિસ્તાર તથા વ્યક્તિઓના વર્ગને લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.