શો-રૂમ, દુકાન, કારખાનાઓ, ભાગીદારી પેઢી, કંપનીઓ, બેંકો, વકીલ, આર્કિટેક સહિતના નોટીસ ફટકારાઈ
રાજકોટ મહાનગરપાલિકાના વ્યવસાય વેરા વિભાગ દ્વારા ૨૨,૩૦૩ બાકીદારોને વ્યવસાય વેરો ભરવા નોટીસ ફટકારવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલો વ્યવસાય વેરોનો લક્ષ્યાંક હાંસલ થઈ ગયો છે. આ ઉપરાંત નવા ૨૫૯૨ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યા છે.
વ્યવસાય વેરા વિભાગ દ્વારા દુકાનો, શો-રૂમ, કારખાના, ભાગીદારી પેઢી, કંપનીઓ, બેંકો, કોન્ટ્રાકટર, એજન્ટ, વકીલ, આર્કિટેક, શરાફી પેઢીઓ સહિતની વિવિધ કેટેગરીના ધંધાર્થીઓ અને વ્યવસાયિકોને વ્યવસાય વેરાની બાકી નિકળતી રકમ ભરપાઈ કરી દેવા નોટીસ ફટકારવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં પ્રોફેશ્નલ ટેકસ પેટે રૂ.૧૭.૦૮ કરોડની આવક થવા પામી છે જે ગત વર્ષની સરખામણીએ રૂ.૧.૨૨ કરોડ વધારે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૨૫૯૨ નવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. વ્યવસાય વેરાની બાકીની રકમ પર ૧૮ ટકા લેખે સાદુ વ્યાજ વસુલ કરવામાં આવતું હોય બાકીદારોને ઝડપથી વેરો ભરપાઈ કરી દેવા તાકીદ કરવામાં આવી છે.