કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાના સુચન બાદ કોર્પોરેશને એઇમ્સ સુધી સિટી બસ સેવા શરૂ કરવાનો લીધો નિર્ણય
અબતક, રાજકોટ
તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ એઇમ્સની મુલાકાત લીધા બાદ એવી ઘોષણા કરી હતી કે ટૂંક સમયમાં એઇમ્સ સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. દરમિયાન હવે માધાપર ચોકડીથી એઇમ્સ સુધી દર બે કલાકે સિટી બસ સેવા શરૂ કરવાનું નિર્ણય મહાપાલિકા દ્વારા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના ભાગોળે આકાર લઇ રહેલી એઇમ્સ હોસ્પિટલમાં ગત ડિસેમ્બર માસથી ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે. હાલ દૈનિક 50 થી 60 નાગરિકો એઇમ્સમાં ઓપીડીની સેવાનો લાભ લઇ રહ્યા છે.
તાજેતરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ એઇમ્સ સુધી કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું. જેની એક જ સપ્તાહમાં અમલવારી કરી દેવા મહાપાલિકા તંત્ર સજ્જ થઇ ગયું છે. આગામી દિવસોમાં માધાપર ચોકડીએથી દર બે કલાકે એઇમ્સ સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં જ્યારે એઇમ્સ ફૂલ ફ્લેઝમાં શરૂ થઇ જાય ત્યારે ત્રિકોણ બાગ સહિતના મુખ્ય સેન્ટરો પરથી પણ એઇમ્સ સુધી સિટી બસ દોડાવવામાં આવશે. આગામી સપ્તાહથી એઇમ્સ સુધી સિટી બસ દોડાવવા માટેનું આયોજન થઇ રહ્યું છે.