બે દિવસ પહેલા રાજકોટથી નેપાળ જવા માટે નીકળેલી બસ ગાઢ ધુમ્મસના કારણે આગળ જતા ટ્રકમાં અથડાતા સર્જાઈ દુર્ઘટના: ૧૦થી વધુ મુસાફરો ગંભીર
ગોઝારા અકસ્માતમાં ૧૪ વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યાની આશંકા: એક આખા પરિવારના મોતની ચર્ચા
ઉત્તર પ્રદેશમાં વધતી જતી ઠંડીના કારણે ગાઢ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. જેથી વિઝીબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસના કારણે ઘણી જગ્યાએ માર્ગ અકસ્માતના બનાવો નોંધાયા છે. જેમાં ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર વહેલી સવારે ધુમ્મસના કારણે એક સ્લીપર બસ આગળ જતાં ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોના મોત થયા હતા. જ્યારે ૧૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને લખનૌ ટ્રોમા સેન્ટર અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
જ્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ગમખ્વાર અકસ્માતમાં બે દિવસ પહેલા રાજકોટથી નેપાળ જવા માટે નીકળેલી બસને નડેલા અકસ્માતમાં ૧૪થી પણ વધુ મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૭મી જાન્યુઆરીના રોજ રાજકોટથી ખાનગી બસ નેપાળ જવા માટે રવાના થઈ હતી. તે દરમિયાન બસ આજરોજ વહેલી સવારે આગ્રા – લખનૌ એકસપ્રેસ હાઇવે પર પહોંચી ત્યારે આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત જોઈને મુસાફરોએ ઔરાસ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતા જ ડીએમ-એસપી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ ગોઝારા અકસ્માતમાં સતાવાર રીતે એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજયાનું જાણવા મળ્યું છે. જેમાં લલિત સાઉદ (ઉ.વ.૩૫) અને ચંદ્ર સાઉદ (ઉ.વ.૫૦) સહિત ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે એક મહિલાએ ટૂંકી સારવારમાં હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
પરંતુ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટથી નેપાળ જતી બને લખનૌ પાસે ગોઝારો અકસ્માત નડ્યો તેમાં ૧૪ જેટલા મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે. જેમાં બસમાં બેઠેલા નેપાળનો એક આખો પરિવાર કાળનો કોળિયો બન્યા હોવાની શંકા સામે આવી છે.
ગમખ્વાર અકસ્માતના પગલે આગ્રા – લખનૌ એકસપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા ખાનગી બસને ક્રેન મારફતે સાઈડમાં ખસેડી ઘવાયેલા મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ખાનગી બસના ડ્રાઈવરને જોલું આવી જતા જીવલેણ અકસ્માત સર્જાયાની આશંકા: એસપી
આગ્રા – લખનૌ હાઇવે પર રાજકોટથી નીકળેલી ખાનગી બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેના પગલે એસપી સહિતનો કાફલો તાબડતોડ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવ અંગે એસપીએ કહ્યું હતું કે, એવી આશંકા છે કે ખાનગી બસનો ડ્રાઈવરને જોલુ આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
અન્ય મુસાફરોના સ્થળાંતર માટે એસટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘાયલ મુસાફરોને ઝડપી બચાવ કામગીરી બાદ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ૧૦થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને જિલ્લા હોસ્પિટલ અને લખનૌ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.