સુરતના કોસંબા નજીક આજે વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં પડતા તમામ મુસાફરોને વધતી ઓછી ઇજા થઇ હતી. ઘટનાની જાણ બાદ સુરત ફાયરની ઇમરજન્સી ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બસના ડ્રાઇવરને ઝોંકુ આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. આજરોજ સવારે 5.10 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે 40 માણસોથી ભરેલી માલાણી નામની ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમા પડી ગઇ છે. જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોને કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા 40 જેટલા લોકોને રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાનમાં મળ્યું છે.
સબ ફાયર ઓફિસર વિજય ટંડેલે જણાવ્યું હતું કે, ભાઈ વિભાગને કોલ મળ્યા બાદ ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાફરો તમામ સુતા હતા તે દરમિયાન જ આ ઘટના બની હતી. કેબિનમાં બેસેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા. જ્યારે સોફામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટના બનવાના કારણે સોફામાં જ ફસાઈ ગયા હતા. તમામ 40 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, એક મહિલા અને એક પુરુષને વધુ ઇજા પહોંચી હતી. કેબિનમાં રહેલા લોકોને પતરા કાપી અને પહોળા કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એક સોફામાં રહેલી મહિલાના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. મહિલા ની હાલત વધુ ગંભીર છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં ડ્રાઇવર ક્યાંય મળી આવ્યો ન હતો. આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને જોકુ આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાન થી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઉતરી ગઈ હતી. તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાની નોંધાઈ નથી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય