એક દિવસની બ્રેક બાદ ફરી પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસાનો વધારો: રાજકોટમાં પેટ્રોલ સેન્ચુરી ભણી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવમાં થયેલા તોતીંગ વધારાના કારણે સ્થાનીક ઓઈલ કંપનીઓ દ્વારા વાહન ચાલકોને રોજ સુરજ ઉગતાની સાથે જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલની કિમંતમાં 32 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. બીજી તરફ તાજેતરમાં સીએનજીની કિંમતમાં પણ વધારો ઝીંકી દેવામાં આવી હોવાના કારણે વાહન ચાલકોની રાહ બોલી ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રણ દિવસ સુધી એકધારો ભાવ વધારો કરાયા બાદ ગઈકાલે વાહન ચાલકોને થોડી રાહત મળી હતી કાલે ભાવમાં કોઈ વધારો ઝીંકવામાં આવ્યો ન હતો. દરમિયાન આજે ફરી ભાવ વધારાનો કોરડો વીંઝવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર આજે 25 પૈસાનો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 33 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજકોટમાં પેટ્રોલની કિમંત સદી ફટકારવા તરફ આગળ વધી રહી છે. આજે ભાવ વધારો થયાબાદ રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂ. 99.18 અને ડિઝલનો ભાવ રૂ. 97.88 રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બેરલના ભાવ હાઈએસ્ટ સપાટીએ પહોચી ગયા છે. આવામાં આગામી દિવસોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો ચાલું જ રહેશે તે નિશ્ર્ચિત માનવામા આવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં વાહન ચાલકોને ભાવ વધારાથી કોઈ રાહત મળે તેવી શકયતા જણાતી નથી.