પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો એકધારો સીલસીલો યથાવત છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 37 પૈસાનો તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવતા વાહન ચાલકોની રાડ બોલી ગઈ છે. છેલ્લા 27 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સાડા ત્રણ રૂપીયાથી પણ વધુનો વધારો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 95 રૂપિયાને પાર થઈ ગયા છે અથવા 95ની લગોલગ પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવો પેટ્રોલથી પણ વધી જતાં મોંઘવારી પણ સતત વધી રહી છે.
આજે પેટ્રોલપંપ પેદાશોમાં ભાવ વધારાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં આજે પ્રતિ લીટર પેટ્રોલના ભાવ રૂા.94.82 જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂા.95.31 રહેવા પામ્યા હતા. રાજકોટમાં દૈનિક સરેરાશ અઢીથી ત્રણ લાખ લીટર પેટ્રોલનું વેંચાણ થાય છે. જ્યારે ડીઝલનું દૈનિક વેંચાણ આશરે બે લાખ લીટર જેવું છે. આજે ઝીંકાયેલા ભાવ વધારાથી રાજકોટવાસીઓના ખીસ્સા પર સવા બે લાખ રૂપિયાનો બોજ પડ્યો છે. સતત વધી રહેલા ભાવના કારણે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પણ અસર પડી છે અને વેંચાણમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 1લી જૂને પેટ્રોલના ભાવ 91.31 રૂપિયા હતા જ્યારે ડીઝલના ભાવ 91.79 રૂપિયા હતા. છેલ્લા 27 દિવસમાં શહેરમાં પેટ્રોલના ભાવમાં 3.51 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3.52 રૂપીયાનો વધારો નોંધાયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો હોય લોકો મોંઘવારીની ચકીમાં રિતસર પીસાય રહ્યાં છે. જનતામાં નારાજગી પણ જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોય વાહનચાલકોના બજેટ વેરવિખેર થઇ ગયા છે. લોકો હવે પેટ્રોલ કે ડીઝલ સંચાલીત વાહન ખરીદવાના બદલે સીએનજી કે ઇલેકટ્રીકથી ચાલતા વાહનોની ખરીદી કરવા તરફ વળ્યા છે.