કોરોના વાયરસને દોઢેક માસ કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં મહામારી હજુ સમી રહી નથી. વિશ્વભરમાં છવાયેલી આ મહામારીથી માનવ જીવન ખૂબ પ્રભાવિત થયું છે. ઘણા દેશો બીજી તો ઘણા દેશો ત્રીજી-ચોથી લહેરમાં સપડાયા છે. ત્યારે હવે ભારતમાં આગામી ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે.
ઘાતકી સાબિત થયેલી બીજી લહેરે એવો ડર ઉભો કર્યો છે કે હવે ત્રીજી લહેર સામે કોઈ પણ ભોગે લડી લેવા દેશભરના રાજ્યો તૈયારીમાં જુંટાઈ ગયા છે. દૂધના દાઝેલાં છાસ ફૂંકી ફૂંકીને પીવેની જેમ તંત્ર સાબદું થઈ ગયું છે.
બીજી લહેરમાં સૌથી ખરાબ રીતે સપડાયેલા રાજ્યો હવે ત્રીજી લહેર સામે કેટલા સજ્જ છે ?? શું તૈયારી છે તેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર, ગુજરાત દિલ્હી, પંજાબ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે. એમાં પણ ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો બાળકો પર હોવાની વૈજ્ઞાનિકોની ચેતવણીના આધારે સરકાર વધુ સાબદી થઈ બાળકોને સુરક્ષિત કરવા પર કામગીરી કરી રહી છે.
મોટાભાગના રાજ્યોમાં બાળરોગ માટેના બેડને વધારી દેવાયા છે. તેમજ 12 વર્ષથી નીચેના બાળકોના માતાપિતા માટે રસીકરણને પ્રાધાન્ય આપવાનું અને બાળકો માટે વિશેષ પ્રોટોકોલ બનાવવાનું તેમજ રાજ્યો પીડિએટ્રિક કોવિડ કેર પર સખત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં જાહેરાત કરી જણાવ્યું છે કે રસીકરણમાં 12 વર્ષથી નીચેના બાળકોના માતાપિતાને પ્રાધાન્ય આપવામાં આવશે. જ્યારે ગોવામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બે વર્ષથી નીચેના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓ માટે રસીકરણને પ્રાધાન્ય આપવામાં આવશે.
મોટાભાગનાં રાજ્યો કાં તો બાળ ચિકિત્સા સંભાળ માટે પીડિએટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ (પીઆઇસીયુ), કા તો નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ (એનઆઈસીયુ) અને બીમાર નવજાત સંભાળ એકમો (એસએનસીયુ) સહિત બેડની સુવિધા ઉભી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર કે જ્યાં બીજી તરંગે ભારે હાલાકી ઉભી કરેલી અહીં હવે બાળરોગ કોવિડ બેડને હાલમાં 600થી વધારીને 2,300 કરવાની યોજના બનાવી છે.
ત્રીજી લહેર આવ્યા પહેલા જ નાથવા વિવિધ રાજ્યોએ સઘન કામગીરી શરૂ કરી દીધી છે. ત્રીજી લહેર આવશે…. ત્રીજી લહેર આવશે એવા ગાજ સાથે કામગીરી તો શરૂ કરી દીધી છે પરંતુ આ ગાજેલા મેઘ ન વરશે તો ? જો ત્રીજી લહેર ન આવે એ જ સૌ માટે વરદાનરૂપ છે પરંતુ વૈજ્ઞાનિકો- નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ત્રીજી લહેરને રોકવી લગભગ નામુમકીન સમાન જ છે. આથી આનાથી બચવા આગોતરી તૈયારી જ યોગ્ય છે.