કોરોના સંબંધી પોઝિટિવ-નેગેટીવનું લેબલ આપવામાં પણ કાળમૂખો ભ્રષ્ટાચાર-ન્યાય-શુધ્ધિ સામે બેહૂદો પડકાર: ભોળી-ભલી પ્રજા પર સીતમ હદ વટાવતો હોવાની બૂમરાણ: અર્થતંત્ર અને શેર બજારમાં અકલ્પનીય ઉથલપાથલ: ગરીબો-મધ્યમવર્ગનાં લોકોની બેસુમાર કફોડી હાલત: ઠેર ઠેર તારાજી
સર્જતો કુદરતનો ખોફ: રાજકીય અને સરકારોની અગ્નિપરીક્ષા: રામરાજય જોજનોદૂર ઠેલાયું: દેશમાં રાષ્ટ્રીય સરકાર રચવી પડવાનો ગણગણાટ !
આંતરિક બાબતોની અને વિદેશ નીતિની નવેસરથી વિચારણા કરવાનો વરિષ્ઠ રાજપુરૂષોનો મત: નિરંકુશ શાસનનો અંત અનિવાર્ય !
છેલ્લામાં છેલ્લી માહિતી અને આંકડા ચિંતાજનક બની જતાં રાજયની સરકાર ચોંકી ઉઠી છે. એમાંય રાજકોટ મુખ્યમંત્રીનું ‘હોમટાઉન’ રહ્યું છે. અને રાજકોટને લગતી અખબારી માહિતી ઝડપભેર રાજકોટ ઉપરાંત ગુજરાતભરમાં પ્રસારિત થઈ જતી હોવાથી એની ગંભીરતા વધી જાય ચે. અહી ચેનલો દ્વારા સમાચારોનો વ્યાપ સારી પેઠે વિસ્તરે છે.
આ શહેરમાં અને તેની આસપાસમાં કોરોના-સંક્રમણનો વ્યાપ વધતો રહ્યો છે.
અખબારી અહેવાલો અનુસાર, રાજકોટમાં ધીંગા વરસાદે પણ સમગ્ર શહેરને ધમરોળ્યું છે.
ઓછામાં પૂરૂ, પોલિસતંત્રની કામગીરી પણ પ્રજા માટે સીતમ અને જુલ્મસમી બની જતા પ્રજાનો પૂણ્ય પ્રકોપ ચરમ સીમાએ પહોચ્યો છે.
વળી, ગુજરાતમાં કોરોનાના હાહાકારની જેમ સમગ્ર દેશને પણ એ વધુને વધુ ભરડો લઈ રહ્યો છે, એને કારણે ગુજરાતની આ ઘટનાઓનો રેલો વડાપ્રધાનના ઉંબરા સુધી પહોચે તે સંભવિત છે.
અહીં એવો પ્રશ્ર્ન પણ ઉઠી શકે છે કે, ઉચ્ચસ્તરનાં અને તગડું વળતર મેળવતા સત્તાધારી અમલદારો તેમની કામગીરીમાં નિષ્ફળ ગયા છે. અમદાવાદના અધિકારીઓની ટીમને અર્થાત ખાસ ટાસ્કટુકડીને હમણા સુધી નિષ્ફળ ગયેલી કામગીરી સોંપવી પડે એ ઘટના શુભચિહન પણ ગણાય અને કદાચ અશુભ પણ ગણાય ! આમ છતાં મુખ્યમંત્રીનું આ તત્કાળ નવાજૂનીનું પગલું ઉદાહરણરૂપ ગણાવવું ઘટે.
વડાપ્રધાને પણ આ ઉદાહરણ અપનાવવું ઘટે !
વડાપ્રધાનની જવાબદારીઓ અત્યારે અનેકગણી વધી છે. એમાં બેમત નથી!
અહીં ગંભીર ગણાય એવી વાત એ પણ છે કે, કોરોનાની બાબતમાં સંબંધિત સત્તાધીશો પોઝીટીવ અને નેગેટીવના લેબલ આપવામાં મતિભ્રષ્ટતા આચરે છે. અને ભોળીભલી પ્રજાને ‘દાઝયા ઉપર ડામ’ની સ્થિતિમાં મૂકે છે. જો આ ટીકા ટિપ્પણીમાં સંપૂર્ણતથ્ય હોય તો એ ગંભીર ગુનો ગણાવો જોઈએ અને સખ્ત શિક્ષા-સજાને પાત્ર ગણાવો જોઈએ. આનાં કરતાં વધુ કાળમૂખો ભ્રષ્ટાચાર બીજો કયો હોઈ શકે? એને ન્યાય શુધ્ધિ સામે પડકાર પણ ગણી શકાય.
રાજકીય પક્ષોની પણ અહી અગ્નિપરીક્ષા થવાની છે. આખો દેશ જયારે ભયાનક કટોકટીમાંથી પસાર થતો હોય ત્યારે સ્વાર્થના રોટલા શેકવાનું દુષ્કૃત્ય કોઈ આચરી શકે નહિ.
આખો દેશ અત્યારે રાજકીય અને આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. અને સરકારો તેમજ રાજકીય પક્ષોની કસોટી થઈ રહી છે તે વખતે દેશમાં બધા જ રાજકીય પક્ષો મળીને એક જમંચ ઉપર આવે અને સમસ્યાઓનાં ઉકેલ અંગે સર્વસંમતિ સાધવા રાષ્ટ્રીય સરકાર રચવાનો પડકાર ઝીલે તો એ રાષ્ટ્રના વિશાળ હિતમાં લેખાશે સૌની અગ્નિ પરીક્ષા છે. રામરાજય જોજનો દૂર છે. દેશને માટે આંતરિક બાબતોની અને વિદેશ નીતિની નવેસરથી વિચારણા થાય એ જરૂરી છે. નિરંકુશ શાસનનો ઢાંચો બદલવાનો સમય હવે પાકી ગયો છે.
અખબારોમાં ‘વનમેન’ પેપર અને વનમેન કલમ હિતાવહ નથી ગણાતા, તેમ સરકારોમાં વનમેન્સ સરકાર નિષ્ફળતા પામે એમ કહેવું જ પડે !
આપણા દેશને બહુમૂખી પતનમાંથી ઉગારવા દેશના લોકશાહી શાસનના ચાહકોએ વહેલામાં વહેલી તકે મેદાનમાં આવ્યા વિના નહિ ચાલે દેશ નહિ બચે તો કશું જ નહિ બચે ! વિદેશી શત્રુઓ એનો લાભ લેવાની સ્થિતિમાં ન આવી જાય, તે માટે સાવધાન થયા વિના છૂટકો નથી !