- એલસીબી ઝોન-2ની ટીમે માધાપર ચોકડી નજીકથી રૂ. 17.55 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
- ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં 28થી વધુ ચોરીને આપી ચુક્યા છે અંજામ
- સોના-ચાંદીના દાગીના, અલગ અલગ દેશની કરન્સી સાથે મહારાષ્ટ્રના અજિત ધનગર અને કર્ણાટકની નિગંમ્મા એમેટીને દબોચી લેવાયા
શહેરમાં એકતરફ થર્ટી ફર્સ્ટની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી બાજુ જામનગર રોડ પર આવેલ ગાંધી સોસાયટી સ્થિત રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. તસ્કર બેલડીએ વ્હોરા વેપારીના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહીત કુલ રૂ. 13.42 લાખના મુદ્દામાલ તસ્કર ટોળકી ઉઠાવી ગસી હતી. જે ચોરીના બનાવ સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા એલસીબી ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલાની ટીમે તસ્કર બંટી-બબલીને માધાપર ચોકડી નજીકથી સોના ચાંદીના દાગીના, અલગ અલગ દેશની કરન્સી સહીત કુલ રૂ. 17.55 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. એલસીબીએ ધરપકડ કર્યા બાદ બંટી-બબલીએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં કુલ 28 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માધાપર ચોકડી પાસે ગાંધી સોસાયટી શેરી નંબર 6 માં રહેતા વ્હોરા વેપારી ખોજીમભાઈ ફિદાહુસેન ભારમલ (ઉ.વ.58) ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ રૂ. 30 હજાર સહિત રૂ.13.42 લાખની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની જાણ પરિવારને થયા બાદ પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસથી તપાસ હાથ ધરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી મહારાષ્ટ્રના એક યુવક અને બેંગ્લોરની એક યુવતીને પકડી પાડી તેનું નામ પૂછતાં અજીત શિવરાય ધનગર (ઉ.વ.34),( રહે. હલકરણી શ્રી બીરાપ્પા મંદિર બસ સ્ટેશ પાસે કોલ્હાપુર મહારાષ્ટ્ર) અને નિગંમ્મા ટીપ્પન્ના એમેટી (ઉ.વ.30),( રહે. દસનાપુરા હોબલી બેંગલોર) જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ચોરી કરેલ દાગીના અને વિદેશી કરન્સી મળી કુલ રૂ.17.95 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બંટી-બબલીની ધરપકડ થતાં તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજ્યમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. હાલ બંનેએ 28 થી વધું ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બેલડીની સઘન પુછતાછ હાથ ધરી વધું ચોરીના ગુના ઉકેલવા તજવીજ આદરી છે.
બંને ઇન્દોર નાસી છૂટે તે પૂર્વે જ એલસીબીએ ઝડપી લીધા
ગાંધી સોસાયટીમાં ચોરીને અંજામ આપ્યા બાદ બંને ઇન્દોર નાસી જવાની ફિરાકમાં હતા પણ બંનેના ઈરાદા સફળ થાય તે પૂર્વે જ એલસીબીએ સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સથી માધાપર ચોકડીથી મોરબી બાયપાસ જવાનાં રસ્તેથી બંનેનિ ઝડપી લીધા હતા.
કર્ણાટકની ત્રણ સંતાનની માતાને મહારાષ્ટ્રના તસ્કર સાથે પ્રેમ પાંગરતા બંને ઘરેથી ભાગી ગયાં’તા
એલસીબી ઝોન-2ની ટીમે બંટી-બબલીની ધરપકડ બાદ પૂછપરછ કરતા અજિતનું ગામ મહારાષ્ટ્રની સરહદે જ્યારે નિગંમ્માનું ગામ કર્ણાટકની સરહદે આવેલું હોય બંનેના ગામ તદ્દન નજીક હોવાથી પરિચય થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિગંમ્મા પરિણીત હોય અને ત્રણ સંતાનો પણ હોય તે પતિ અને સંતાનોને છોડી અજિત સાથે ભાગી ગઈ હતી અને ત્યારબાદ બંને સાથે મળીને ચોરીઓ કરવા લાગ્યા હતા.
દિવસે ચાલુ બસમાંથી ગાંધી સોસાયટી જોઈ, રાત્રે ત્રાટક્યાં
બંટી-બબલીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ખુબ રસપ્રદ છે. સામાન્ય રીતે તસ્કરો અગાઉ ચોરીનું સ્થળ પસંદ કરી, રેકી કરી, પ્લાન ઘડી ચોરીને અંજામ આપતાં હોય છે પણ બંટી-બબલી ગમે ત્યાં ત્રાટકી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ગાંધી સોસાયટીમાં થયેલી ચોરીમાં પણ કંઈક એવુ જ બન્યું હતું. બસ મારફત રાજકોટ આવેલા બંટીએ ચાલુ બસમાં જ ધોળા દિવસે ગાંધી સોસાયટી જોઈ હતી ત્યારે જ તેણે ચોરી કરવાનો વિચાર કરી લીધો હતો અને ત્યારબાદ રાત્રે ગાંધી સોસાયટીમાં ત્રાટક્યાં હતા. ઉલ્લેખનીય છે કે, વ્હોરા વેપારીના ઘરે ચોરી અંજામ આપવાનું પણ અગાઉ નક્કી ન હતું પણ મકાનમાં તાળા મરેલા હોવાથી તે જ મકાન પસંદ કર્યું હતું.