અનએકેડમીના સીઈઓ ગૌરવ મુંજાલના પરિવારને ટ્રેક્ટરમાં રેસ્ક્યૂ કરાયાં
બેંગલુરુમાં ભારે વરસાદને લીધે પરિસ્થિતિ ખૂબ જ વણસી છે. લગભગ 10 દિવસથી પડી રહેલો ભારે વરસાદ અને ત્યાર બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગરીબો અને મધ્યમ વર્ગ માટે તો પરિસ્થિતિ ગંભીર છે જ, પણ શ્રીમંત લોકો પણ એનાથી બચી શક્યા નથી.
જે રીતે બેંગ્લુરુમાં સતત કુદરતી આફત વરસી રહી છે તેના લીધે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એપ્સિલોન વિસ્તારમાં ઘણી મોટી કંપનીઓના ફાઉન્ડર અને સીઇઓ રહે છે. આ વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વિસ્તારમાં જાણીતા એવા 150 લોકો રહે છે, જેમાં વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજી, બ્રિટાનિયાના સીઈઓ વરુણ બેરી, બિગ બાસ્કેટના કો-ફાઉન્ડર અભિનય ચૌધરી અને બાયજુસના કો-ફાઉન્ડર બાયજુ રવિચંદ્રન સામેલ છે.એપ્સિલોનમાં એક સામાન્ય વિલાની કિંમત 10 કરોડ રૂપિયા છે. અહીં પ્લોટના કદ પ્રમાણે ભાવ વધે છે. એક એકર પ્લોટની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. આટલી મોંઘી સોસાયટી બન્યા પછી પણ વરસાદના કહેરથી બચી નથી. અહીંના વૈભવી વિલાની બહાર પાર્ક કરોડોની કિંમતની લક્ઝરી કાર પણ પાણીમાં ડૂબેલી જોવા મળે છે. અહીં રહેતા અમીરોને પણ બોટ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે.એડ-ટેક પ્લેટફોર્મ અનએકેડમીના સીઈઓ ગૌરવ મુંજાલના પરિવાર અને કૂતરાને ટ્રેક્ટરમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મંગળવારે ગૌરવે આ વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું છે કે, મારા પરિવાર અને કૂતરા આલ્બસને અમારી સોસાયટીમાંથી ટ્રેક્ટરમાં બચાવી લેવામાં આવ્યા હતા. અમારી સોસાયટી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સ્થિતિ ખરાબ છે. મહેરબાની કરીને બધા તમારી સંભાળ રાખો.’
બુધવારે બેંગલુરુના બાગલકોટમાં કેનાલ પરનો પુલ પાર કરવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબી પર શાળાનાં બાળકોને બેસાડીને રસ્તો પાર કરાવવામાં આવ્યો હતો. બીજી તરફ એમેઝોન, સ્વિગી જેવી ઈ-કોમર્સ કંપનીઓ પણ વરસાદ અને પૂરને કારણે થોડા સમય માટે પોતાની સર્વિસ બંધ કરી દીધી છે.