નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા અને જયેશ રાદડીયાને “ક” ટાઈપ મોટા બંગલા જ્યારે આઠ પૂર્વ મંત્રીને “ખ” ટાઈપ નાના બંગલામાં રહેવુ પડશે
અબતક, રાજકોટ
સત્તાધારી પક્ષ ભાજપે ગત 11મી સપ્ટેમ્બરે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો શંખ ફૂંક્યો હતો. મુખ્યમંત્રી સહિત આખુ મંત્રી મંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષોથી સરકારનો ચહેરો રહેલા કેટલાંક સિનિયરો હવે નિવૃત થઈ ગયા છે. દરમિયાન એક માસ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત 14પૂર્વ મંત્રીઓની માંગણીનો સ્વીકાર કરતા ભુપેન્દ્રભાઈ પટેલની નવી સરકારે તમામને ગાંધીનગરમાં કવાર્ટર ટાઈપ આવાસ ફાળવવાના બદલે બંગલાની ફાળવણી કરી છે. જો કે, 14 મંત્રીઓને બંગલા ફાળવાયા બાદ હવે પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના કેટલાંક પૂર્વ મંત્રીઓએ પણ બંગલાની માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ગત 11મી સપ્ટેમ્બરના રોજ વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપી દીધુ હતું. તેમના સ્થાને ભાજપ દ્વારા રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યોને પણ નવી સરકારમાંથી પડતા મુકવામાં આવ્યા છે. સરકારમાંથી ફેંકાય ગયા બાદ પોતાનું માન-સન્માન જળવાય રહે તે માટે મંત્રીઓએ તેઓને ગાંધીનગરમાં કવાર્ટર ટાઈપ આવાસ ફાળવવાના બદલે સરકારી બંગલા ફાળવવાની માંગણી કરી હતી. જેનો નવી સરકારે સ્વીકાર કર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સેકટર-19માં ક-206,
ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સેકટર-19માં ક-139, સૌરભભાઈ પટેલને સેકટર-19માં ક-203, ગણપતસિંહ વસાવાને સેકટર-20માં ક-516 અને જયેશભાઈ રાદડીયાને સેકટર-20માં ક-50માં બંગલા ફાળવવામાં આવ્યા છે. આ તમામ બંગલાની સાઈટ મોટી છે.
જ્યારે પૂર્વ મંત્રી ઈશ્ર્વરભાઈ પરમારને સેકટર-19માં ખ-17 એ, પ્રદિપસિંહ જાડેજાને સેકટર-19માં ખ-17 પરસોતમભાઈ સોલંકીને સેકટર-19માં ખ-248, જયદ્રથસિંહ પરમારને સેકટર-19 ખ-212, ઈશ્ર્વરસિંહ પટેલને સેકટર-19માં ખ-210, વાસણભાઈ આહિરને સેકટર-19 ખ-16એ, વિભાવરીબેન દવેને સેકટર-19માં ખ-213 એ ધર્મેન્દ્રસિંહ જાડેજાને સેકટર-19માં ખ-15 એ અને રમણલાલ પાટકરને માંગણી મુજબ ગ ટાઈપનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
14 પૂર્વ મંત્રીઓને બંગલાની ફાળવણી કરવામાં આવતા હવે કુંવરજીભાઈ બાવળીયા સહિતના કેટલાંક પૂર્વ મંત્રીઓએ પણ સરકારી બંગલાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગરમાં સરકીટ હાઉસની નજીક વિશાળ બંગલો ફાળવવામાં આવ્યો છે.