યમુનાજીમાં ઠલવાતા ગંદા પાણીના નિકાલ માટે દિલ્લી સરકારે નવો એક્શન પ્લાન ઘડયો
વર્ષોથી વૈષ્ણવોની આસ્થાના પ્રતીક સમાન યમુનાજીમાં દૂષિત પાણી ઠલવાતા યમુનાજી પ્રદુષિત થઈ રહ્યા છે જેના કારણે વૈષ્ણવોની લાગણી પણ દુભાય છે. ત્યારે ફરીવાર દિલ્લી સરકારે યમુનાજીમાં ઠલવાતા ગંદા પાણીના નિકાલ માટે વધુ એક એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે પણ દિલ્લી સરકારના નિર્ણયનો ઘાટ ’બુંદ સે ગઈ હોજ સે નહીં આતી’ જેવી છે. યમુનાજીમાં રહેલા દૂષિત પાણીનો નિકાલ ત્યારે જ શક્ય છે જયારે નદીના પાણીનું વહેણ શરૂ થાય જે વરસાદના સમયે જ શક્ય છે. તે સમયે દિલ્લી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરકારો ’અહમ’નો જંગ લડતા હોય ભોગ યમુનાજીનો લેવાઈ રહ્યો છે.
દિલ્લીની સરકારે કુલ ૯ મુદ્દાનો એક્શન પ્લાન યમુનાજીમાં રહેલી ગંદકીને દૂર કરવા ઘડી કાઢ્યો છે. જેમાં પાણી પથરાયેલા ગંદકીના થરને દૂર કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દિલ્લી સરકાર દ્વારા તૈયાર કરાયેલો પ્લાનને દિલ્લી પ્રદુષણ નિયંત્રણ બોર્ડે મંજૂરી આપી છે. દિલ્લી સરકારે આ એક્શન પ્લાનમાં અનેકવિધ સરકારી એજન્સીઓનો પણ સમાવેશ કર્યો છે. જેમાં દિલ્લી જલ બોર્ડ, દિલ્લી ડેવલોપમેન્ટ ઓથોરિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની પસંદગી કરવામાં આવી છે.
એક્શન પ્લાન મુજબ યમુનાજીમાં ભળતા ગંદા પાણીને અગાઉથી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન મારફત શુદ્ધ કરવામાં આવનાર છે. જેના માટે દિલ્લી સરકારે હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરકારને તેમની સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરવા જણાવ્યું છે. યમુનાજીમાં નજફગઢ ડ્રેઇન અને હિંડોન કેનાલ મારફત મુખ્યત્વે ગંદુ પાણી ઠલવાતું હોય છે ત્યારે આ બને ડ્રેનેજ મારફત નીકળતા પાણીને અગાઉથી જ શુદ્ધ કરી દેવામાં આવે તેવો પ્લાન દિલ્લી સરકારે ઘડ્યો છે.
દિલ્લી સરકારે નોંધ્યું છે કે, હરિયાણા અને ઉત્તરપ્રદેશની અનટ્રીટેડ સિવેજની કેનલો યમુનાજીમાં ગંદા પાણીબો નિકાલ કરે છે જેના કારણે નદીના પાણીમાં એમોનિયા ગેસનું પ્રમાણ વધી રહ્યું છે પરિણામે નદીનું પાણી દિન પ્રતિદિન વધુ ઝેરી બની રહ્યું છે. દિલ્લી સરકારે નવા બે ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી છે. કોરોનેશન પિલર અને ઓખલા ખાતે બે નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવામાં આવનાર છે. જેની ક્ષમતા અનુક્રમે ૭૦ મિલિયન ગેલન્સ વેસ્ટવોટર પ્રતિ દિવસ અને ૧૨૪ મિલિયન ગેલન્સ પ્રતિ દિવસની હશે.
ઉલ્લેખનીય બાબત છે કે, હાલ સરકાર યમુનાજીને ફરીવાર શુદ્ધ બનાવવા તૈયારી કરી રહી છે પણ જ્યાં સુધી ડેમોનું પાણી યમુનાજીમાં નહીં છોડવામાં આવે ત્યાં સુધી ગંદકીના ગંજ દૂર થઈ શકે ગેમ નથી. યમુનામાં પાણી પણ ફક્ત વરસાદના સમયે છોડી શકાય તેવી પરિસ્થિતિ છે અન્યથા જો હાલના સમયમાં પાણી છોડવામાં આવે તો લોકોને પીવાના પાણી માટે પણ ફાફા પડી શકે છે જેથી આ પ્લાન હાલ શક્ય નથી અને પ્લાન વિના યમુનાજીનું શુદ્ધિકરણ શક્ય નથી. ત્યારે વરસાદના સમયે ત્રણેય સરકારે અહમ છોડી સમજૂતી કરીને યમુનાજીને પવિત્ર કરવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.