કાગળ ઉપર નબળી દેખાતી ઈંગ્લેન્ડ ટિમ ભારતને ભારે પડી જશે તેવી શંકા ’અબતક’ના અહેવાલમાં મેચના પ્રથમ દિવસે જ વ્યક્ત કરવામાં આવી હતી જે અક્ષરશ: સાચી
ઘર આંગણે ભારત ચાર વર્ષ બાદ હાર્યું
ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે ૪૨૦ રનનો પીછો કરતાં ૧૯૨ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું અને ટીમ ઇન્ડિયા ૨૨ વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે.
ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત પ્રથમ ટેસ્ટ મેચ હારી જતા હવે બાકીની ૩ ટેસ્ટ મેચ જીતવી ખુબ જ જરૂરી છે કેમ કે જો ભારત ત્રણ ટેસ્ટ મેચ જીતે તો જ વર્લ્ડ ચેમ્પીયન બની શકે તેમ છે. હાલ તેના પર પ્રશ્ર્નાર્થ દેખાય રહ્યો છે.
કાગળ ઉપર નબળી દેખાતી ઈંગ્લેન્ડ ટિમ ભારતને ભારે પડી જશે તેવી શંકા ’અબતક’ના અહેવાલમાં મેચના પ્રથમ દિવસે જ વ્યક્ત કરવામાં આવી હતી અને આ શંકા આજે ઠરી છે. કોન્ફિડન્સ કે ઓવર કોન્ફિડન્સ જે આજે ટિમ ઇન્ડિયામાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ભારત સવા શેર સાબિત થયું હતું જ્યારે ઘરઆંગણે ઢેર થઈ ગયું છે. ટિમ ઇન્ડિયાનો વધુ પડતો આત્મવિશ્વાસ જ તેની હારનું મુખ્ય કારણ બની છે. ભારતીય ટિમ માટે ટેસ્ટ મેચના ત્રીજા દિવસથી જ મેચ બચાવવી અઘરી થઈ ગઈ હતી. હાલમાં જ ટિમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ઐતહાસિક જીત મેળવીને આવી છે ત્યારે તેનો વધુ પડતો આત્મ વિશ્વાસ આજે ઇંગ્લેન્ડ સામે હારનું કારણ બની છે. અને ચાર મેચની સિરિઝમાં ઇંગ્લેન્ડ ૧-૦ થી આગળ થઈ ગયું છે.
ચેન્નાઈમાં પાંચમા દિવસની રમત હંમેશાથી મુશ્કેલ રહી છે. આજે પણ એવુજ થયુ. ભારતીય બેટ્સમેનોને ઈંગ્લિશ બોલર્સનો મુકાબલો કરવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી હતી. પણ કેપ્ટન કોહલીએ પોતાની બેટીંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા. સ્પીનર હોય કે ફાસ્ટ બોલર તેણે બધાનો સરળતાથી સામનો કર્યો હતો, પણ તેનાં એકલાથી ટીમ ઈન્ડિયાની નૈયા પાર ના લાગી. આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત છે. આ પહેલા તેમણે ૨૦૦૬માં મુંબઈ ટેસ્ટ ૨૧૨ રને જીતી હતી.ઇંગ્લેન્ડ ૮ વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે અને તેમણે ૪ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયા માટે રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની ૨૪મી ફિફટી ફટકારતાં ૭૨ રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં ૫૦ રન કર્યા, તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ માટે જેક લીચે ૪, જેમ્સ એન્ડરસને ૩ જ્યારે બેન સ્ટોક્સ, જોફરા આર્ચર અને ડોમ બેસે ૧ વિકેટ લીધી.ઇંગ્લેન્ડની ટીમે ૮ વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે.
તેમણે છેલ્લે ભારતને ડિસેમ્બર ૨૦૧૨માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે ૬ ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી ૪ ભારત જીત્યું અને ૨ ટેસ્ટ ડ્રો રહી. વિરાટ કોહલીએ સારી બેટિંગ કરતાં ૧૦૪ બોલમાં ૯ ફોરની મદદથી ૭૨ રન કર્યા હતા. આ તેની ટેસ્ટમાં ૨૪મી ફિફટી હતી. બેન સ્ટોક્સના ગુડ લેન્થ પર પિચ થયેલા બોલને કોહલી ડિફેન્ડ કરવા ગયો પરંતુ બોલ બહુ લો રહ્યો (ઓછો ઉછળ્યો) અને કોહલીના બેટ નીચેથી જતો રહ્યો. ઇન્ડિયન કેપ્ટન કઈ કરી શકે તેમ નહોતો.