લોકડાઉનના કારણે માત્ર પાંચ શ્રધ્ધાળુઓ સાથે પંચમુખી ડોલીયાત્રાનો કેદારનાથથી પ્રારંભ, ૧૦ ફૂટ છવાયેલા બરફમાં ચાલીને નીકળેલી ડોલીયાત્રા બીજા વિરામ સ્થાન ભીમબાલી પહોંચી
હિન્દુ ધર્મમાં હિમાલય પર્વતમાં આવેલા ભગવાનના ચારધામની યાત્રાનું અનેરૂ મહાત્ત્મય કહેવામાં આવ્યું છે. હિમાલય પર્વત પર વર્ષભર બરફ છાવેલો રહેતો હોય આ ચારધામોમાં આવેલા મંદિરોમાં માત્ર ઉનાળાના ચાર માસ દરમિયાન જ પૂજન-અર્ચન થઈ શકે છે. હાલ ઉનાળાના પ્રારંભ સાથે હિમાલયમાં છવાયેલો બરફ પીગળવાની શરૂ આત થઈ છે તે સાથે ચારધામ એવા યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથની યાત્રાનો પ્રારંભ થયો છે. આ ચારધામ યાત્રાના પ્રારંભે દર વર્ષે નીકળતી પંચમુખી ડોલી યાત્રા લોકડાઉનના કારણે માત્ર પાંચ શ્રદ્ધાળુઓ સાથે સાદાઈપૂર્વક નીકળી છે. આ પંચમુખી ડોલી ગઈકાલે તેના બીજા વિરામ સ્થાન ભીમબાલી પહોંચી હતી.
ઉત્તરાખંડ સરકારના કેદારનાથ યાત્રા બોર્ડ દ્વારા દર વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ પંચમુખી ડોલી યાત્રા સાથે કરવામાં આવે છે. કેદારનાથ મંદિરથી પ્રારંભ થતી આ ડોલી યાત્રામાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હિમાલયના બર્ફીલા વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા અને યાત્રાળુઓની સુરક્ષા માટે સૈન્યની કુમાય બટાલીયનને તૈનાત કરવામાં આવે છે. કેદારનાથ મંદિરથી રવિવારે પ્રારંભ થયેલી ભગવાન પંચમુખીની ડોલી યાત્રામાં લોકડાઉનના કારણે માત્ર પાંચ શ્રધ્ધાળુઓને જોડવાનો નિર્ણય કેદારનાથ યાત્રા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. હિમાલયમાં છવાયેલા ૧૦ ફૂટ બરફમાં આ શ્રધ્ધાળુઓ ડોલીને ચારેય ધામમાં લઈ પહોંચશે.
ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં હિમાલયના પહાડોમાં આવેલા કેદારનાથથી શરૂ થયેલી આ ડોલી યાત્રા ગંગોત્રી, યમુનોત્રી અને બદ્રીનાથ મંદિરે થઈને ફરી કેદારનાથ મંદિરે આવતી આ ચારધામ તરીકે ઓળખાતા આ મંદિરોના કપાટ ગત શનિવારે વિધિવત્ રીતે ખુલ્યા હતા. જે બાદ રવિવારે કેદારનાથના ઉત્કીમઠથી આ પંચમુખી ડોલી યાત્રાનો પ્રારંભ થયો હતો.
આ અંગે ધર્મગુરૂ સત્રપાલ મહારાજે જણાવ્યું હતું કે, આ ડોલી યાત્રા પાછળનો અમારો ઉદ્દેશ્ય ચારધામના કપાટ ખોલ્યા પછીની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો છે. ચારધામ યાત્રા કરવાની શ્રધ્ધાળુઓને મંજુરી આપવી કે નહીં તે અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે તે પ્રમાણે કરવામાં આવશે.