પક્ષ પલ્ટો કરીને સત્તાના મદમાં ભાન ભુલેલા ચેરમેન ઉપર કોઈની લગામ નહીં !: પટ્ટાવાળાએ રજા માટે વિનંતી કરી, સામે ચેરમેને બેફામ બની બળ પ્રદર્શન કર્યું
જિલ્લા પંચાયત કચેરીમાં આજરોજ સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેને પટ્ટાવાળાને ગાળો ભાંડીને તેને મારવા દોડયા હોવાની અશોભનીય ઘટના સામે આવી છે. આ ઘટના હાલ જિલ્લા પંચાયતમાં ચર્ચાનો વિષય બની જવા પામી છે. પટ્ટાવાળાએ માત્ર રજા મંજુર કરવાની વિનંતી કરી હતી ત્યારે સામાપક્ષે ચેરમેને ભાન ભુલીને બળપ્રદર્શન કર્યું હતું. આ ઘટનાનાં સાક્ષી એવા સમાજ કલ્યાણ અધિકારી પણ સંપર્કવિહોણા બનીને ચેરમેનનાં બચાવનો લુલો પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા પંચાયત કચેરીની સામાજીક ન્યાય સમિતિનાં પટ્ટાવાળા તેનાં ઘરનાં કામ સબબ સમાજ કલ્યાણ અધિકારી પાણેરી સમક્ષ રજા માંગવા ગયા હતા ત્યારે સમાજ કલ્યાણ અધિકારીએ ખો આપીને સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન બાલુ વિંઝુડા પાસેથી રજા માંગવાનું કહ્યું હતું. બાદમાં આ પટ્ટાવાળા સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેનની કેબીનમાં ગયા હતા ત્યાં તેઓએ રજાની માંગણી કરી હતી. આ વેળાએ ચેરમેન બાલુ વિંઝુડાએ એવું કહ્યું હતું કે, તમે થોડીકવાર પછી આવજો સામે પટ્ટાવાળાએ વિનંતી કરતા એવું કહ્યું કે, રજા અગત્યની હોય જેથી મંજુર કરી આપજો. ત્યારે પીતો ગુમાવી ગયેલા ચેરમેને ભાન ભુલીને પટ્ટાવાળા સમક્ષ બેફામ વાણી-વિલાસ કરીને ગાળો ભાંડી હતી. ઉપરાંત તેને મારવા માટે પણ દોડયા હતા પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોએ તેઓને રોકી લીધા હતા. બાદમાં સમગ્ર મામલો સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં પહોંચતા ત્યાં પણ સમાજ કલ્યાણ અધિકારી પાણેરીની હાજરીમાં આ ઘટનાનું ફરી પુનરાવર્તન થયું હતું. આ વેળાએ પણ સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેને પટ્ટાવાળાને મારવા માટે દોડયા હતા ત્યારે ઉપસ્થિત લોકોએ તેઓને રોકી રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચેરમેન તાજેતરમાં પક્ષ પલ્ટો કરીને સત્તાનાં મદમાં હોવાની વાતો વહેતી થઈ છે. તેવામાં આ પ્રકારે ગુંડાગર્દી ઉપર ઉતરી આવેલા આ ચેરમેન સામે પગલા ભરાય છે કે કેમ ? તે જોવું રહ્યું. આ ઘટના સમયે સમાજ કલ્યાણ અધિકારી પાણેરી હાજર હતા જોકે ચેરમેનનો બચાવ કરવા તેઓ સંપર્કવિહોણા બન્યા છે. તેઓ હાલ ફોન ઉપાડવાનું પણ ટાળી રહ્યાં છે.
તપાસ કરીને કસુરવાર સામે પગલા લેવાશે: ડીડીઓ
આ ઘટના અંગે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં જે ઘટના ઘટી છે તેમાં બંને પક્ષોને સાંભળીને યોગ્ય તપાસ કરવામાં આવશે બાદમાં કસુરવાર સામે પગલા પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ડીડીઓએ કસુરવાર સામે પગલા લેવાની જાહેરાત તો કરી દીધી છે હાલ પટ્ટાવાળા ઉપર રાજકીય પ્રેશર શરૂ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે જેથી ભીનું સંકેલાય જવાનાં પ્રબળ સંકેતો મળી રહ્યા છે.
પટ્ટાવાળાનું વર્તન અયોગ્ય હતું: ચેરમેન
આ સમગ્ર મામલે સામાજિક ન્યાય સમીતીના ચેરમેન બાલુ વિઝુંડાએ કહ્યું કે, પટ્ટાવાળા ઘણા સમયી અનિયમીત હોય તેવામાં તેઓએ રજા માંગતી વખે પણ અયોગ્ય વર્તન કર્યું હતું. આ અંગે સમાજ કલ્યાણ અધિકારીને રજૂઆત પણ આજે કરી છે. તેઓ બપોરના સમયે મોડા આવતા હોય ઉપરાંત ખૂબ રજાઓ પણ પાડતા હોવાનું ચેરમેને પોતાના બચાવમાં કહ્યું હતું.