વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી અને એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો નોંધાતા ભારતીય શેરબજાર પૂરપાટ દોડ્યું: નિફ્ટીની પણ સર્વોચ્ચ સપાટી તરફ આગેકૂચ
વિદેશી રોકાણકારો દ્વારા જૂન માસમાં કરવામાં આવી રહેલી સતત ખરીદારી અને એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 18 ટકા જેવો તોતીંગ વધારો નોંધાવાના કારણે ભારતીય શેરબજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે લાઇફ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટી પણ સર્વોચ્ચ સપાટી હાંસલ કરવા તરફ આગેકૂચ કરી રહી છે. આગામી દિવસોમાં પણ ભારતીય શેરબજારમાં તેજી કરન્ટ જળવાઇ રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં પણ મજબૂતાઇ જોવા મળી હતી.
તમામ સાનૂકૂળ માહોલના કારણે છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોનો પણ ભારતીય શેરબજાર તરફ વિશ્ર્વાસ વધ્યો છે. જૂન માસમાં વિદેશી રોકાણકારોએ રેકોર્ડબ્રેક માલની ખરીદી કરી છે. બીજી તરફ દેશની કોર્પોરેટ કંપનીઓ દ્વારા એડવાન્સ ટેક્સ ભરવામાં આવે છે. તેમા આ વખતે 18 ટકાનો તોતીંગ વધારો નોંધાયો છે. જેના કારણે શેરબજારમાં તેજીને બળ મળ્યું છે.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ભારતીય શેરબજારમાં પણ તેજીનું યોગાસન જોવા મળ્યું હતું. બોમ્બે સ્ટોક એક્ષચેન્જના ઇન્ડેક્સ સેન્સેક્સે આજે લાઇફ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરી હતી. અગાઉ સેન્સેક્સની સર્વોચ્ચ સપાટી 63,534 હતી. દરમિયાન આજે સેન્સેક્સે 63588.31નો નવો લાઇફ ટાઇમ હાઇ બનાવ્યો હતો. જો કે, ઇન્ટ્રાડેમાં એક તબક્કે સેન્સેક્સ 63315.62 સુધી નીચે સરકી ગયો હતો.
રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દોર ચાલુ રાખતા દિવસ દરમિયાન તેજી જળવાઇ રહી હતી. આજે એવું લાગી રહ્યું હતું કે સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ સર્વોચ્ચ સપાટી હાંસલ કરી લેશે. પરંતુ 18875.90 સુધી ગયા બાદ નિફ્ટીમાં તેજી અટકી જવા પામી હતી. નિફ્ટીનો લાઇફ ટાઇમ 18887 પોઇન્ટ છે. જ્યાં સુધી આજે પહોંચવા માટે નિફ્ટીએ સારી એવી મથામણ કરી હતી. જો કે, દિવસ દરમિયાન એક તબક્કે નિફ્ટી 18800ની સપાટી તોડીને 18794.85ના લેવલ સુધી સરકી ગઇ હતી. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ આજે તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા.
આજની તેજીમાં પીરામલ એન્ટરપ્રાઇઝ, શ્રીરામ ફાઇનાન્સ, લુપીન, વોડાફોન-આઇડીયા, એચડીએફસી બેંક, જી-એન્ટરટેઇન, પીએનબી, એથર ઇન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં તોતીંગ ઉછાળો નોંધાયો હતો. જ્યારે તેજીમાં પણ એચડીએફસી, એએમસી, આઇડીએફસી, પોલીકેબ, એયુ સ્મોલ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, આઇડીએફસી ફર્સ્ટ બેંક સહિતની કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બૂલીયન બજારમાં આજે મંદી જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં મજબૂતી રહેવા પામી હતી.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 196 પોઇન્ટના ઉછાળા સાથે 63523 અને નિફ્ટી 46 પોઇન્ટના ઉછાળા સાથે 18862 પોઇન્ટ કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસાની મજબૂતાઇ સાથે 82 પર ટ્રેડ કરી રહ્યો છે.