સેન્સેકસે 65232 અને નિફટીએ 19331નો નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો: બેન્ક નિફટીમાં પણ આગ ઝરતી તેજી
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર સતત મજબૂત બની રહ્યું છે. જેના કારણે વિશ્વભરના રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં જંગી મૂડી રોકાણ કરવામાં આવી રહ્યું છે. માત્ર ત્રણ જ દિવસમાં સેન્સેકસે 64 હજારથી લઇ 65 હજારનું અંતર કાંપી લીધું છે. આજે શેરબજારે ઉઘડતા સપ્તાહે નવો ઇતિહાસ રચ્યો હતો પ્રથમ વાર 65 હજારની સપાટી કુદાવી હતી. બેન્ક નિફટીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી હતી. સેન્સેકસ, નિફટી અને બેન્ક નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. આગામી દિવસોમાં પણ શેરબજારમાં તેજીનું તોફાની યથાવત રહેશે.
જુન માસમાં જીએસટીનું રેકોર્ડ બ્રેક કલેકશન, છેલ્લા ઘણા સમયથી વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી જોરદાર ખરીદી, એડવાન્સ ટેકસના સારા આંકડાઓ, વિશ્વની એજન્સી દ્વારા ભારતીય રેટીંગમાં કરવામાં આવી રહેલો સતત સુધારો અને અર્થતંત્રમાં સતત મજબૂતીના કારણે ભારતીય શેરબજાર તેજીના ટ્રેક પર પુરપાટ ઝડપે દોડી રહ્યું છે. ગત સપ્તાહે સેન્સેકસે પ્રથમવાર 64 હજાર અને નિફટીએ 19 હજારની સપાટી ઓળંગી હતી. માત્ર ત્રણ જ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસે 1 હજાર પોઇન્ટનું અંતર કોપી લેતા આજે ઉઘડતી બજારે 65 હજારની સપાટી કુદાવી હતી. સેન્સેકસે આજે 65232.64 નો નવો હાઇ બનાવ્યો હતો. જયારે નીફટીએ પણ 19331.15 ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. બેન્ક નિફટીએ આજે 45 હજારની સપાટી કુદાવી હતી. અને 45.53.20 નો નવો હાઇ બનાવ્યો હતો. બજારમાં સતત ખરીદારી ચાલુ હોવાના કારણે તેજીનું વાવાઝોડું યથાવત રહ્યું છે.
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત બન્યો હતો બુલિયન બજારમાં મિશ્ર માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો જયારે ચાંદીના ભાવ ઉંચકાયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 440 પોઇન્ટના ઉછાળા સાથે 65159 પોઇન્ટ પર અને નિફટી 127 પોઇન્ટના ઉછાળા સાથે 19316 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાો રર પૈસાની મજબૂતાય સાથે 81.82 પર ટ્રેડ કરી રહ્યો છે.