ફેડ રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ-2024માં વ્યાજદરોમાં બે થી ત્રણ વખત ઘટાડો કરવામાં આવશે તેવા અહેવાલના પગલે આજે ભારતીય શેરબજારમાં તેજીનું તાંડવ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી આજે નવી સપાટીએ પહોંચી ગયા હતા. બેન્ક નિફ્ટીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી હતી. રોકાણકારો માલામાલ થઇ ગયા હતા. આગામી દિવસોમાં પણ બજારમાં એકધારી તેજી જોવા મળશે તેવું હાલ સંજોગો જોતા લાગી રહ્યું છે.
ફેડ બેન્ક 2024માં વ્યાજદરમાં બે થી ત્રણ વખત ઘટાડો કરશે તેવા અંદાજથી શેરબજારમાં તેજીનો બ્લાસ્ટ: સેન્સેક્સ 70500 અને નિફ્ટી 21 હજારને પાર
આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉંચા ઉછાળા સાથે ખૂલ્યા હતા. બંને ઇન્ડેક્સે નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. અમેરિકી ફેડ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવામાં આવે તેવી વાત તો એકબાજુ રહી વર્ષ-2024માં વ્યાજના દરોમાં બે થી ત્રણ વખત ઘટાડો કરશે તેવા અહેવાલના પગલે શેરબજારમાં તેજીનો રિતસર બ્લાસ્ટ થયો હતો. સેન્સેક્સે આજે ઇન્ટ્રાડેમાં 70540 પોઇન્ટની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટીએ પણ 21 હજાર પોઇન્ટની સપાટી કુદાવી આજે 21189.55 પોઇન્ટની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ-100માં પણ તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. પાંચ પૈકી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટી બહુમતી મળતા આગામી એપ્રીલ-મે માસમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થાય તેવા સ્પષ્ટ આસારો બજારમાં દેખાવા લાગ્યા છે. જેના કારણે છેલ્લા બે સપ્તાહથી શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવી સપાટી હાંસલ કરી રહ્યા છે. રોકાણકારો પણ માલામાલ થઇ રહ્યા છે. આજની તેજીમાં સેલ, એમફાર્મસી, કોફોર્જ લીમીટેડ, મન્નાપુરમ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને બજાજ ફાઇનાન્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ભારે ઉછાળા જોવા મળી રહ્યા છે. જ્યારે તેજીના તાંડવમાં પણ ચંબલ ફર્ટીલાઇઝર, પાવરગ્રીડ કોર્પોરેશન, હિન્દ પેટ્રો જેવી કંપનીના શેરોના ભાવ તુટ્યા છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 872 પોઇન્ટના ઉછાળા સાથે 70456 પોઇન્ટ પર અને નિફ્ટી 238 પોઇન્ટના ઉછાળા સાથે 21165 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. ભારતીય રૂપીયો પણ ડોલર સામે મજબૂત બની રહ્યો છે.
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ વિદેશી મૂડી રોકાણકારોના સહારે દોડતો ભારતીય શેરબજાર હવે આત્મનિર્ભર બની ગયું હોય તેમ સ્થાનિક રોકાણકારોના કારણે પુરપાટ દોડી રહ્યુ છે. મેન બોર્ડના અનેક આઈપીઓ પણ આવી રહ્યા છે.મોટાભાગના આઇપીઓનું લિસ્ટિંગ શાનદાર થતું હોવાના કારણે રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે જાણકારોને મળતા અનુસાર આગામી દિવસોમાં પણ ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત રહેશે તેવું જણાય રહ્યું છે.