ભારતીય શેરબજારમાં આજે તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં કામ કરતા નજરે પડ્યા હતા.
આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં ફરી એક વખત 66 હજારની સપાટી વટાવતા રોકાણકારોમાં જીવમાં જીવ આવ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત બન્યો હતો.
સેન્સેક્સમાં 400થી વધુ અને નિફ્ટીમાં 110 પોઇન્ટથી વધુનો ઉછાળો: ડોલર સામે રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ
આજે સપ્તાહના અંતિમ દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 66 હજારની સપાટી ઓળંગી 66095.81નું લેવલ હાંસલ કર્યું હતું. વેચવાલીનું દબાણ ઉભું થતા સેન્સેક્સ 65,762.33 સુધી સરકી ગયો હતો. નિફ્ટીમાં પણ આજે તેજીનો ટોન જોવા મળ્યો હતો. નિફ્ટીએ 19,675.75ની સપાટી હાંસલ કરી હતી અને 19,579.40ના નીચલા લેવલ સુધી સરકી હતી. બેંક નિફ્ટી અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી હતી.
આજની તેજીમાં બજાજ ફિનસર્વ, ગોધરેજ પ્રોપર્ટી, એમસીએક્સ ઇન્ડિયા, એલએનટી ફાઇનાન્સ સહિતની કંપનીઓમાં તેજી જોવા મળી હતી. જ્યારે વોડાફોન, આઇડીયા, દાલમીયાં ભારત, ઇન્ડુસ ટાવર અને એચડીએફસી બેંકના ભાવ તૂટ્યા હતા.
બૂલીયન બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 378 પોઇન્ટના ઉછાળા સાથે 66010 અને નિફ્ટી 109 પોઇન્ટના ઉછાળા સાથે 19654 પર કામકાજ કરી રહી છે. ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી રહી છે.