મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. વલસાડ પાસે માઉન્ટેન ટનલને 10 મહિનાનાના ગાળામાં તૈયાર કરવામાં આવ્યા બાદ હવે કોરિડોરનો પ્રથમ સ્ટીલ બ્રિજ સુરતમાં બનાવવામાં આવ્યો છે. સમગ્ર રૂટમાં 28 જેટલી સ્ટીલ બ્રિજ બનશે. જેમાંથી આ એક બ્રિજનું કામ પૂર્ણ થયું છે.
સુરતમાં નેશનલ હાઈવે -53માં 70 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ એનએચએસઆરએલ દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 28 સ્ટીલ બ્રિજનું નિર્માણ કરવામાં આવનારું છે. જેમાનો આ પ્રથમ બ્રિજ છે. આ સ્ટીલ બ્રિજ સ્પેનની લંબાઈ 60 મીટર સિમ્પલી સપોર્ટેડથી થી 130 + 100 મીટર કન્ટિન્યૂયસ સ્પેન સુધીની હોય છે.
અમદાવાદ – મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું પુરજોશમાં ચાલતું કામ : કુલ 28 બ્રિજ બનાવવામાં આવશે
હાઇવે, એક્સપ્રેસ વે અને રેલવે લાઇનને પસાર કરવા માટે સ્ટીલ બ્રિજ સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે કોંક્રેટ બ્રિજનો ઉપયોગ મોટાભાગે નદીને પાર કરવા માટે વપરાય છે. ભારત પાસે 100થી 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી સેમી હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલ બ્રિજ બનાવવાની કુશળતા છે. અને આ પહેલીવાર છેકે, 320 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડનારી બુલેટ ટ્રેન માટે સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે.
સુરતમાં લગાવવામાં આવેલા આ સ્ટીલ બ્રિજને દિલ્હીના હાપુર જિલ્લામાં આવેલા વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાંથી ટ્રેઇલર થકી 700 પીસ અને 673 મેટ્રિક ટોનના સ્ટીલ સ્ટ્ર્ક્ચરને 1200 કિ.મી. દૂરથી સુરત લાવવામાં આવ્યું હતું. 12થી 14 મીટર ઉંચા સ્ટીલ બ્રિજને 10થી 12 મીટર ઉંચા થાંભલાઓ પર સ્ટેજિંગ કરવામાં આવ્યો હતો. બાદમાં 200 મેટ્રિક ટોનની લોન્ચિંગ નોઝને મુખ્ય બ્રિજ સાથે જોડવામાં આવી હતી. નેશનલ હાઇવે પર ટ્રાફિક બ્લોક કરીને વિશેષજ્ઞોની દેખરેખ હેઠળ બ્રિજને ખેંચીને તેના મુખ્ય સ્થાન પર રાખવામાં આવ્યો હતો.
બ્રિજની વિશેષતા
- બ્રિજની લંબાઈઃ 70 મીટર
- બ્રિજનું વજનઃ 673 મેટ્રિક ટોન
- લોન્ચિંગ નોઝ લંબાઈઃ 38 મીટર
- લોન્ચિંગ નોઝ વજનઃ 167 મેટ્રિક ટન
- સ્ટીલનો ઉપયોગઃ 70 હજાર મેટ્રિક ટન