અમદાવાદથી મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરીમાં પણ ઠાગાઠયા
ભારતમાં હજી બુલેટ ટ્રેન માટે ઠાગાઠૈયા થઈ રહ્યા છે ત્યારે ચીને બુલેટ ટ્રેન ડ્રાઈવર વગરની દોડતી કરી છે કયાંક ભારતની ઈચ્છા શકિતનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ચાઈનાની પ્રબળ ઈચ્છા શકિતનાં આધારે ડ્રાઈવર વગરની બુલેટ ટ્રેન ૩૫૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડતી હોવાનું પુરવાર કર્યું છે. આ ટ્રેનમાં ૫જી કનેકશન, સ્માર્ટ લાઈટીંગ અને હજારો સેન્સરોથી સુસજજ ટ્રેન બનાવી હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરલેસ ટ્રેન કે જે ૩૫૦ની સ્પીડ ઉપર ચાલી શકે તે અકલ્પનીય મુદ્દો કહી શકાય. ૨૦૨૨માં બેઈજીંગ વિન્ટર ઓલ્મિપકસ આવી રહ્યું છે ત્યારે તે સમય દરમિયાન કોઈપણ લોકો ખેલાડીઓને અગવડતા ન પડે તે હેતુસર ડ્રાઈવરલેસ બુલેટ ટ્રેન બનાવી હોવાનું સામે આવ્યું છે જે ચાઈનાના કેપીટલથી લઈ એ તમામ સ્થળ સુધી પહોંચશે કે જયાં રમત માટેના ગ્રાઉન્ડો ફાળવવામાં આવ્યા છે. આંકડાકિય માહિતી મુજબ ટ્રેન ૧૦૮ માઈલની લાંબી મુસાફરી ૪૭ મીનીટમાં જ પુરી કરશે જે પહેલા ૩ કલાકનો સમય લગાવતી હતી. હાલ નવનિર્મિત ટ્રેન કુલ ૧૦ સ્ટેશન ઉપર હોલ્ટ કરશે જે વિન્ટર ઓલ્મ્પિકસ માટે નિર્ધારીત થયેલા ગ્રાઉન્ડોની નજીક રહેશે. ચાઈના દ્વારા ઘણા સમયથી બુલેટ ટ્રેનને દોડતી કરી છે પરંતુ ડ્રાઈવર વિના ચાલતી બુલેટ ટ્રેન અને તે ટ્રેનની ગતિ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું સામે આવતાની સાથે જ વિશ્ર્વ માટે નવું નજરાણુ પ્રસ્થાપિત કર્યું છે.
ટ્રેનમાં અનેકવિધ સેવાઓ આપવામાં આવી છે અને અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ૫જી કનેકટીવીટી, સ્માર્ટ લાઈટીંગ અને હજારો સેન્સરોની મદદથી ટ્રેનની નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થશે અને રીયલ ટાઈમ ડેટાને પણ એકત્રિત કરશે. ટ્રેનમાં દરેક સીટમાં ટચ સ્ક્રીન અને વાયરલેસ ચાર્જીંગ પોર્ટ આપવામાં આવ્યા છે. મીડિયા અને ખેલાડીઓને સંપૂર્ણપણે ઉપયોગી નિવડે તે હેતુસર ટ્રેનમાં લાજ સ્ટોરેજ એરીયા, ડાયનીંગ માટેની જગ્યા કે જે ત્યારબાદ મીડિયા રૂમમાં પણ રૂપાંતરિત થઈ શકે છે તેવી સુવિધાઓ આપવામાં આવી છે. ટ્રેનમાં રીમુવેબલ સીટ આપવાની સાથે જ પેરા ઓલ્મ્પિકસમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે પણ એક વિશેષ સુવિધા આપવામાં આવી છે. આ તકે એ વાતની સ્પષ્ટતા થાય છે કે હજુ ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા પાછળ અનેકવિધ પ્રકારે ઠાગાઠૈયા થઈ રહ્યા છે અને ઈચ્છા શકિતનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ચાઈનાની ઈચ્છા શકિત નજરે પડતા બુલેટ ટ્રેન ડ્રાઈવરલેસ બનાવતા વિશ્ર્વ આખામાં ખ્યાતિ પ્રાપ્તિ કરી છે.