રાજકોટ રૂરલ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરમાં 200 વ્યાજંકવાદ વિરૂધ્ધ લોક દરબાર યોજાશે: વ્યાજખોરો સામે જાગૃતિ લાવવા પાંચેય જિલ્લામાં 6000 પત્રિકાનું વિતરણ કર્યું: 32 વ્યાજ અંગેના ગુના નોંધી 142 વ્યાજખોરોની ધરપકડ કરાઈ
સમગ્ર રાજયમાં વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ગુરૂવારે રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં એક સાથે 100 લોકદરબારનું આયોજન કરાયું છે. ઉત્તરપ્રદેશમાં માફીયાઓ વિરૂધ્ધ છેડાયેલા અભિયાન અંતર્ગત જે રીતે માફિયાઓના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાય છે તે જ રીતે રાજકોટ રેન્જ હેઠળના પાંચ જિલ્લાઓમાં પણ વ્યાજખોરોના ગેરકાયદેસર બાંધકામો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવાશે તેમ રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવે જણાવ્યું છે.
વ્યાજખોરોના ગેરકાયદે બાંધકામ અંગે નગરપાલિકા પાસેથી માહિતી મેળવી તેની ઉપર બુલડોઝર ફેરવી દેવાશે. એટલું જ નહી લાખો રૂપિયા વ્યાજે આપનાર વ્યાજખોરો અંગે ઈન્કમટેક્ષ અને ઈડીને પણ જાણ કરાશે. જેથી વ્યાજખોર પાસે લાખો રૂપિયા કયાંથી આવ્યા તેની છાનબીન થઈ શકે. વ્યાજખોરોની મિલ્કતો પણ જપ્તીમાં લેવાની કાર્યવાહી પણ કરાશે. લાયસન્સ ધારકો જો વ્યાજખોરી કરતા પકડાશે તો લાયસન્સ રદ કરાવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમ રેન્જ આઈ.જી. યાદવે જણાવ્યું છે.
ગઈ તા. 5 જાન્યુઆરીથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 67 લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરો વિરૂધ્ધ નવ રજુઆતો મળી હતી. જેમાંથી ચારમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. બાકીની પાંચ રજુઆતો અંગે હાલ તપાસ ચાલુ છે. અકંદરે વ્યાજખોરો વિરૂધ્ધ શરૂ થયેલી ઝુંબેશ દરમિયાન રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં કુલ 11 ગુના દાખલ કરી 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રેન્જમાં છેલ્લા એક વર્ષમાં વ્યાજખોરી અંગે 32 ગુનાઓ દાખલ કરી કુલ 142 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જમાં આગામી દિવસોમાં 200થી પણ વધુ લોકદરબારો યોજવામાં આવશે. ભોગ બનેલા લોકોનો પોલીસ ડોર ટુ ડોર સંપર્ક કરી છેવાડાના ગામડા સુધી જાગૃતતા અભિયાન પણ ચલાવશે. આ ઉપરાંત નોંધાયેલા ગુના 100 ટકા સાબીત થાય તેનો લક્ષ્યાંક રખાશે. એટલું જ નહી વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલી મિલ્કતો ભોગ બનનારને પરત મળે તે માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજકોટ રેન્જમાં હાલ વ્યાજખોરો વિરૂધ્ધ પત્રીકાઓનું વિતરણ શરૂ કરાયું છે. કુલ 6,000થી વધુ પત્રીકાઓનું વિતરણ કરાયું છે. ઠેર-ઠેર પબ્લીક એનાઉસમેન્ટ કરી લોકોને વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા આગળ આવવા કહેવાય છે. એટલું જ નહી નિર્ભીક બની ફરીયાદ નોંધાવવા પણ અનુરોધ કર્યો છે.
મોરબી અને જેતપુરમાં યોજાનારા લોકદરબારમાં રેન્જ આઈજીપી પણ ઉપસ્થિત રહશે. આવતીકાલે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 25-25, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં 15-15 અને જામનગર જિલ્લામાં 20 લોકદરબાર યોજાશે. તેમ રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં 15 વ્યાજખોર સામે નોંધાતો ગુનો
ગોંડલમાં યોજાયેલા વ્યાજંકવાદ વિરુધ્ધના લોક દરબારમાં હૃદય દ્વાવક દ્રશ્ય સર્જાયા
રાજયભરમાં વ્યાજના ધંધાર્થી પર પોલીસ દ્વારા શરુ કરાયેલી કડક કાર્યવાહીની ઝુંબેશ અંતર્ગત ગઇકાલે ગોંડલ ખાતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં યોજાયેલા લોક દરબારમાં પિડીતો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે હૃદય દ્વાવક દ્રશ્ય સર્જાયા હતા. ગોંડલમાં ત્રણ અને જસદણમા બે ફરિયાદ નોંધાતા 15 વ્યાજખોરો સામે ગુના નોંધી તપાસ હાથધરી છે.ગૌંડલ નવા માકેર્ટીંગ યાર્ડ પાછળ રહેતા ભાવેશ હસમુખ લીલા નામના પટેલ વેપારીએ ગોંડલના નરેશ બાવચંદ બાવીસીયા, રાજુ લખમણ ફાસરા, જીજ્ઞેશ નવીનચંદ્ર ખખ્ખર, સંજય મોહન કણસાગરા અને જીજ્ઞેશ ઉકા સોજીજ્ઞા પાસેથી કટકે કટકે રુા.27 લાખ વ્યાજે લીધા હતા. તેઓને અત્યાર સુધીમાં રુા.72 લાખ ચુકવી દીધા હોવા છતાં પાંચેય શખ્સો વદુ રુા.27 લાખની માગણી કરી મકાન પડાવી લેવા ધાક ધમકી દીધા અંગેની ફરિયાદ નોંધાવી છે.
ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા દિનેશ બચુભાઇ શિંગાળા નામના પટેલ વેપારીએ ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા કાંતિ ગાંડા કાલરીયા નામના શખ્સ પાસેથી ધંધા માટે રુા.48 લાખ લીધા હતા. તેનુ વ્યાજ સહિત રુા. 90 લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગોંડલ તાલુકાના બાંદરા ગામે રહેતા અતુલ બાબુભાઇ જેસાણી નામના ખેડુતે તેના ગામના અનિલ નાગજી જેસાણી પાસેથી હોસ્પિટલના ખર્ચને પહોચી વળવા માટે રુા.50 હજાર માસિક 10 ટકા વ્યાજે લીધા હતા. જે પેટે રુા.6.60 લાખ ચુસવી દીધા છતા વધુ રુા.80 હજારની કડક ઉઘરાણી કરી ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે
જસદણના જુની ગરબી ચોકમાં રહેતા યાજ્ઞિક રાજેન્દ્રભાઇ શેખે કોટડા પીઠાના અફઝલ મુલતાણી પાસેથી રુા.1.50 લાખ માસિક 30 ટકા વ્યાજે લીધા હતા. તેને રુા.1.94 લાખ ચુકવી દીધા હતા., જસદણના નિલેશ ઉર્ફે અફલી બાબુ કુકુડીયા પાસેથી રુા.50 હજાર માસિક 30 ટકા વ્યાજે લીધા હતા. તેને અત્યાર સુથીમાં રુા.98 હજાર ચુકવી દીધા હતા., જસદણના વિવેક હરેશ ખાચર, શાંતુભાઇ ઉર્ફે સંદિપ મામા ધાધલ અને રુતુરાજ દરબાર પાસેથી રુા.60 હજાર વ્યાજે લીધા હતા. તેઓને રુ.ા.2.12 લાખ ચુકવી દીધા છતાં વધુ વ્યાજની માગણી કરી ધાક ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જસદણના પાટીદાર શેરીમાં રહેતા લાલજી છગન સાકરીયાએ જંગવડના રમેશ બાવચંદ મકવાણા પાસેથી રુા.2 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતા જે પેટે રુા.1.70 લાખ ચુકવી દીધા હોવા છતા મુળ રકમ અને રુા.35 લાખ વ્યાજ વસુલ કરવા માટૈે બે અજાણ્યા શખ્સો સાથે રમેશ મકવાણા ગયો હતો અને બળજબરીથી ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.