વોર્ડ નં.૩માં ટીપી સ્કીમ નં. ૧૯ અને ૨૩ માં સંતોષીનગરથી મોરબી રોડને જોડતા ૨૪ મીટર રોડ પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી ૧૧૦૭ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના વોર્ડ નં.૩માં ૨૪ મીટરનો ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક માતાજીનું મંદિર,૩૯ રહેણાક મકાનો અને ૧૬ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું.ડિમોલિશનની કામગીરી વિજિલન્સ અને પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૩માં ટીપી સ્કીમ નંબર ૧૯ (રાજકોટ) અને ટીપી સ્કીમ નંબર ૨૩ (રાજકોટ)ને રાજ્ય સરકાર દ્વારા પ્રારંભિક મંજૂરી આપવામાં આવી છે. તે પૈકીનો રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા અને ફાયર બ્રિગેડ પાસે આવેલા સંતોષીનગર વિસ્તારમાંથી પસાર થતો અને મોરબી રોડને જોડતા ૨૪ મીટર ના ટીપીના રોડ પર અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા હતા. જે દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.જેના પગલે આજે સવારે સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો દબાણ શાખા શાખા ફાયર બ્રિગેડ શાખા બાંધકામ શાખા અને વિજિલન્સ શાખા તથા શહેર પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયો હતો.
ટીપી રોડની લાઈનદોરીમાં આવતા ૩૯ મકાનો,૧૬ દુકાનો અને ચારબાઇ માતાજીનું મંદિરનું બાંધકામ દૂર કરી અંદાજે ૪ કરોડથી પણ વધુની કિંમતની આશરે ૧૧૦૭ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.૧૬ દુકાનો પૈકી નવ દુકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.જ્યારે અન્ય સાત દુકાનોના રોડ પરના આવતું ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું ૩૯ મકાનો પૈકી મોટા ભાગના મકાનોના ફળીયા અને સંડાશ બાથરૂમનો ભાગ તોડી નાખવામાં આવ્યો હતો ડિમોલિશનની કામગીરી ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.