હવે સબ ભૂમિ ગોપાલ કી નહીં ચાલે…

ત્રણ શખ્સોએ ટેનામેન્ટ બનાવવા પ્લાન ઘડી તાબડતોબ બાંધકામ શરૂ કર્યું હતું

મ્યુ. કમિશનરે જાતે ઘસી જઈ નિરીક્ષણ કરી બાંધકામ તોડાવ્યું

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડના હાલના સ્થળ સામે નવું યાર્ડ ઉભું કરવા માટે સરકાર દ્વારા સાડા પાંચ વિઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે તે જગ્યામાં સબ ભૂમિ ગોપાલ કી…. માની ત્રણ શખ્સે ગેરકાયદે બાંધકામ શરૃ કરી રૃા. ૧૦ ના સ્ટેમ્પ પર તે મકાનોનું વેચાણ કરી નાખવાનો પ્લાન ઘડી ઝડપભેર બાંધકામ શરૃ કરાવ્યું હતું. તેની વિગત એસ્ટેટ શાખાને મળી જતાં કમિશ્નરની સૂચનાથી ગઈકાલે તે જગ્યાએ પાડતોડ કરી નાખવામાં આવી છે અને બાંધકામનો કેટલોક સામાન જપ્ત કરી લેવાયો છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડના હાલના સ્થળે ખેતીની જણસ સહિતની ચીજ-વસ્તુઓનો વ્યાપાર ચાલી રહ્યો છે. યાર્ડની હાલની જગ્યા સામે જ થોડા સમય પહેલાં વધુ સાડા પાંચ વિઘા જમીન નવું યાર્ડ ઉભું કરવા માટે ફાળવવામાં આવતા જામનગર મહાનગર પાલિકા દ્વારા તે સ્થળે બાંધકામ શરૃ કરાતા પહેલાં કરવાની થતી કામગીરી આરંભાઈ હતી.

તે દરમ્યાન અંદાજે ૮૪ હજાર ફુટ જેટલી આ જગ્યામાં ત્રણ શખ્સ દ્વારા પાયા ખોદી તેમાં મકાન બનાવવાનું કામ શરૃ કર્યાની વિગત જામ્યુકોની એસ્ટેટ શાખાના ઓફિસરને મળતા તેઓએ ઉપરોકત મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલનું ધ્યાન દોરી કાર્યવાહી કરવા માટે આદેશ માંગ્યો હતો. કમિશ્નરે ત્યાં ધસી જઈ જાત તપાસ કરી જો આ પ્રકારનું કોઈ બાંધકામ હોય તો તેને યુદ્ધના ધોરણે પાડી નાખી તે સરકારી જગ્યા ખાલી કરાવવા હુકમ કર્યો હતો. જેના પગલે ગઈકાલે એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી સહિતનો સ્ટાફ જેસીબી સાથે તે સ્થળે ધસી ગયો હતો.

સરકાર દ્વારા યાર્ડ માટે ફાળવાયેલી આ જગ્યામાં પાયા ભરી બાંધકામ થઈ રહ્યું હોવાનું દૃષ્ટિગૌચર થતા ત્યાં તોડપાડ શરૃ કરવામાં આવી હતી. અંદાજે ચારેક હજાર ફૂટ જગ્યામાં પાયા ખોદી નાખી ટેનામેન્ટનું બાંધકામ થતું હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી એસ્ટેટ શાખાની ટુકડીએ તે બાંધકામ તોડી પાડી ત્યાંથી બાંધકામનો કેટલોક માલ-સામાન કબ્જે લઈ સ્થળ પર ઢગલો કરીને રાખવામાં આવેલી રેતી વગેરે પાથરી દીધા હતાં. વધુમાં જાણવા મળ્યા મુજબ ત્રણ શખ્સે સરકારી આ જગ્યામાં બાંધકામ કરતા પહેલાં લેઆઉટ પ્લાન ઉભો કરાવી ત્યાં રૃા. ૧૦ ના સ્ટેમ્પ પર ટેનામેન્ટ વેંચવાનું નકકી કર્યું હતું અને ગેરકાયદેસર રીતે કબ્જો કરાયેલી આ જગ્યાને મકાનના સ્વરૃપમાં, કોઈ પણ સ્કીમ સાથે વેચી નાખવાનું નકકી કર્યું હોય તેમ ઝડપભેર બાંધકામ આરંભ્યું હતું પરંતુ ત્યાં બાંધકામ થતું હોવાની વિગત મળી જતાં આ શખ્સોના મનસુબા પર પાણી ફરી વળ્યું છે. કમિશ્નરની સૂચનાથી તેઓની સામે ફોજદારી ફરિયાદ કરવાની પણ તજવીજ આરંભાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.