કોર્પોરેશનના અલગ-અલગ હેતુ માટેના ચાર અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો હટાવાયાં
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં બે વોર્ડમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીપી સ્કિમ અંતર્ગત કોર્પોરેશનને પ્રાપ્ત થયેલા ચાર અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વોર્ડ નં.4 અને 18માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપી સ્કિમ નં.10 (રાજકોટ)ના અંતિમ ખંડ નં.53માં વાણિજ્ય હેતુ માટેના અનામત પ્લોટમાં ખડકાયેલી એક દુકાન અને વાયર ફેન્સીંગનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને 736 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. જ્યારે ટીપી સ્કિમ નં.12માં (કોઠારીયા)ના અંતિમ નં.34/એમાં સ્વાતિ પાર્ક રોડ પર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટેના 460 ચો.મી. જગ્યામાં ખડકાયેલી ત્રણ ઓરડીઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અહિં આગળ 20 મીટરના ટીપી રોડ પર આશરે 200 ચો.મી. જમીન પર કંપાઉન્ડ હોલનું બાંધકામ હટાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો શહેરના વોર્ડ નં.4માં જૂના મોરબી રોડ પર શ્રી પાર્કની બાજુમાં ટીપી સ્કિમ નં.13 (રાજકોટ)ના એફપીસી/3ના વાણિજ્ય હેતુ માટેના 150 ચો.મી.ના પ્લોટ પર નવા બાંધકામ માટે ખોદાયેલા પાયા સહિતનું બાંધકામ હટાવી દેવામાં આવ્યું હતું. અલગ-અલગ ચાર સ્થળોએ ડિમોલીશન દરમિયાન 6.65 કરોડની 1546 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.