સરકારી જમીન પર ગેરકાયદે ખડકાયેલા બાંધકામ સામે પૂર્વ મામલતદારની કાર્યવાહી, તમામને નોટિસ ફટકારાઈ
આજી ડેમ ચોકડી નજીક ૩૦ જેટલી દુકાનોના દબાણના કારણે રોડ-રસ્તા ઉપર ભારે ટ્રાફીક સર્જાતો હોવાથી પૂર્વ મામલતદાર દ્વારા આ ગેરકાયદે ખડકાયેલા બાંધકામને દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત આ દબાણ ઉપર મત ગણતરી બાદ ડિમોલીશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આજી ડેમ ચોકડી નજીક સરકારી જમીન ઉપર ત્રીસ જેટલી દુકાનોનું સરકારી જમીન ઉપર બાંધકામ થયું છે. આ બાંધકામના કારણે રોડ ઉપર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. જેથી રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા આ દુકાન ધારકોને કલમ ૨૦૨ મુજબ નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત મળતી માહિતી પ્રમાણે મત ગણતરી પૂર્ણ થયા બાદ પૂર્વ મામલતદારની ટીમ દ્વારા એસઆરપી, માર્ગ અને મકાન વિભાગ તેમજ મહાનગરપાલિકાને સાથે રાખીને દબાણ હટાવવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવશે.