ઓટા, છાપરા, હોર્ડિંગ બોર્ડ, પ્લીન્થ, પતરાની કેબીન, સાઈન બોર્ડ સહિતના દબાણો દુર કરાયા
કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત રોજ શહેરના એક રાજમાર્ગ પર ડિમોલીશન હાથ ધરવામાં આવે છે. આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧૫માં ૩૫ સ્થળોએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આજે ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશમાં કનૈયા રેસ્ટોરન્ટ, બોયઝ હોસ્ટેલ, ગુજરાત ટ્રાવેલ્સ, શિવાલય એન્ટરપ્રાઈઝ, ભગવતી ઈલેકટ્રોનિકસ, પિતૃકૃપા મોબાઈલ, બંસીધર પ્રોવીઝન સ્ટોર, સત્યમ કલીનીક, હાઈ પાવર હાઈડ્રોલિકસ, માટેલ મોબાઈલ એન્ડ ઈલેકટ્રોનિકસ, બહુચર પાન અને આજી ધી વ્યુહ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખડકાયેલા ઓટા, છાપરા, હોર્ડિંગ્સ બોર્ડ, કલીન્થ, પતરાની કેબીન, સાઈન બોર્ડ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. જયારે આજીડેમ પાસે છાપરાવાડી કેબિન, કાચા ઝુંપડા, યદુનંદન પાન પાસે છાપરાનું દબાણ, પોલીટેકનીકલ પાસે છાપરાવાળી કેબીનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત એસ્ટેટ શાખાએ દબાણ ખડકી દેનાર આસામી પાસેથી રૂ.૩૫ હજારનો દંડ વસુલ કર્યો હતો.