- રાજકોટ પોલીસનું બુલડોઝર સતત બીજા દિવસે ધણધણ્યું
- પોલીસ પર હુમલો કરનાર ગુજસીટોકના આરોપી ભાણુને સ્થળ પર લઇ જઈ નજર સામે મકાનને જમીનદોસ્ત કરી દેવાયું
- ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા, એસીપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, એન વી હરીયાણી અને પ્ર.નગર પીઆઈ વસાવા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ
અસામાજિક તત્વો પર તૂટી પડવાના રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજકોટ શહેર પોલીસનું બુલડોઝર સતત બીજા દિવસે પણ ધણધણ્યું હતું. બુધવારે જંગલેશ્વર વિસ્તારમાં નશાના સોદાગર રમા સંધી અને જાવિદ જુણેજાએ ખડકી દીધેલા બાંધકામનો કડુસલો બોલાવી દેવાયા બાદ ગઈકાલે પોલીસ પર હુમલો કરનાર માજિદ ભાણુ અને ઇસોબા દલના મકાન-ઓરડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્ર.નગર પોલીસની ટીમ પર પથ્થરમારો કરનાર માજિદને સ્થળ પર લઇ જઈ તેની નજરની સામે જ મકાનને જમીનદોસ્ત કરી દેવાતા ગુનેગાર આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક માસ પૂર્વે રૂખડિયાપરામાં રહેતા ફરીદાબેન જુસબભાઇ શેખના ઘરે ધસી જઈ મારી નાખવાની ધમકી આપી મકાન પર સોડા બોટલના ઘા કરી ધમાલ મચાવવાના ગુનામાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી માજિદ ભાણુ આણી ટોળકીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પ્ર.નગર પોલીસના બે જવાનોને તમે પોલીસ હોય તો શું થયું અમે આ વિસ્તારના ડોન છીએ, તમારે અહીં નહીં આવવાનું કહી બે પોલીસમેન પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં પ્ર.નગર પોલીસે ફરજમાં રૂકાવટના ગુનામાં 10 જેટલા આરોપીને પકડી લીધા હતા ત્યારે એસઓજીની ટીમે ગત રવિવારે ફરાર માજિદ રફિક ભાણુને પકડી તેના વિસ્તારમાં સરઘસ કાઢી હાથ જોડાવી લોકોની માફી મગાવી હતી. પોલીસની તપાસમાં નામચીન માજિદ ભાણુ ગુજસીટોક, ફરજમાં રૂકાવટ, મારામારી સહિત 11 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું.
બાદમાં માજિદ ભાણુ અને ઇસોબા દલએ ભિસ્તીવાડ વિસ્તારમાં ખડકી દીધેલા ગેરકાયદે મકાન અંગે મનપા અને પીજીવીસીએલ તંત્ર સાથે સંકલન કરીને બાંધકામ તોડી પાડવા કાગળો તૈયાર કર્યા હતાં. બાદમાં ગઈકાલે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના નેતૃત્વના ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા, એસીપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, પીઆઈ એન વી હરિયાણી, પ્ર.નગર પીઆઈ વી આર વસાવા સહિતના અધિકારીઓ આરએમસીના બુલડોઝર સાથે ભીસ્તીવાડ પાસેના રૂખડિયાપરામાં દોડી ગયા હતા અને માજિદને સાથે રાખી તેની નજર સામે તેના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ પર હુમલાના ગુનામાં ફરાર નામચીન ઇસોબા રીઝવાન દલની છ ઓરડી તોડી પડાઇ હતી.
ગઈકાલે જ થોરાળા પોલીસની ટીમે દૂધસાગર રોડ પર રહેતો અને પોલીસ પર હુમલા સહિતના ગુનામાં સંડોવાયેલો તેમજ તાજેતરમાં ગુજસીટોકના ગુનામાં જામીન પર બહાર આવેલો ઇમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલોના મકાનમાં ગેરકાયદેસર વીજ કનેકશન કટ કરવામાં આવ્યું હતું તેમજ ચુનારાવાડ અને થોરાળા વિસ્તારમાં રહેતી અને થોરાળા વિસ્તારની રંજન અને રમા સહિત પાંચ બુટલેગરના મકાનમાં ચાલતા ગેરકાયદેસર વીજજોડાણ કટ કરવામાં આવ્યા છે.તેમજ નામચીનના મકાન ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા.
રાજા પઠાણની બે ઓરડીનું કડુસલો બોલાવી દેતી યુનિવર્સિટી પોલીસ
એકતરફ એસઓજી સહીતની ટીમે માજિદ અને ઇસોબાના મકાન પર બુલડોઝર ફેરવ્યું હતું જયારે બીજી બાજુ યુનિવર્સિટી પોલીસના પીઆઈ એચ એન પટેલ, પીએસઆઈ વી જી ડોડીયાની ટીમે નાણાવટી ચોક પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો નામચીન અફઝલ ઉર્ફે રાજા બાબાખાન પઠાણની બે ઓરડીઓ મ પર બુલડોઝર ફેરવી દીધું હતું.યુનિવર્સિટી પોલીસ દ્વારા 24 ગુનેગારોના ગેરકાયદેસર વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે અને તેના ઘેરથી વીજ મીટરો દૂર કરવામાં આવ્યા છે.