જામનગરમાં રણજીતસાગર માર્ગે, સરકારી ખરાબાની વિશાળ જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને વહીવટી તંત્ર દ્વારા આજે તોડી પાડવામાં આવ્યું હતું અને જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટર પોતાના પુત્ર સાથે ત્યાં આવી ગયા હતાં અને ઉગ્ર રજૂઆતો કરી હતી.
જામનગર શહેરમાં રણજીતસાગર માર્ગે મારૃ કંસારાની વાડી નજીકની સરકારી ખરાબાની આશરે એકાદ લાખ ફૂટ જગ્યામાં મંજુરી વગર બાંધકામ કરી લેવામાં આવ્યું હતું જેમાં ત્યાં પાકા બંધાકામવાળી ઓરડી, રૃમ, ફેન્સીંગ અને ઢોર પણ બાંધવામાં આવ્યા હતાં. આજે સવારે શહેર મામલતદાર પોતાની ટીમ સાથે પહોંચ્યા હતાં અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમના સહયોગથી ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બાંધકામો તોડી પાડી સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. આ અંગેની જાણકારી મળતા જ કોંગ્રેસના કોર્પોરેટર મરિયમબેન સુમરા પોતાના પુત્ર સાથે ત્યાં પહોંચી ગયા હતાં અને મામલતદાર સાથે ઉગ્ર ચર્ચાઓ કરી હતી કે શા માટે અમોને અગાઉથી નોટીસ આપવામાં ન આવી? જો અગાઉથી જાણ કરી હોત તો અમે માલસામાન સલામત રીતે બહાર કાઢી શક્યા હોત. આકસ્મિક કામગીરીના કારણે વ્યાપક નુક્સાન થયું છે.